પોરબંદરના વિકાસ માટે સૌથી મહત્વનું યોગદાન આપનારા મહારાણા નટવરસિંહજીને નગરપાલિકા વિસરી ગઇ હોય તેમ શહેરમાં કયાંય પણ તેમની પ્રતિમા આવેલી નથી. તેમજ તેઓ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન પણ હતા. પરંતુ દુલિપ ક્રિકેટ સ્કૂલ ખાતે પણ તેમની પ્રતિમા નથી. માટે આ બંને જગ્યાએ મહારાણાની પ્રતિમા મૂકવા પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લા શિવસેનાના પ્રમુખ અશોકભાઈ થાનકીએ જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં જેઠવા રાજવીઓએ આજે હજારો કરોડ કિંમત ગણી શકાય તેવી અનેક ઈમારતો શહેરીજનોને ભેટમાં આપી દીધી છે. તેમ છતાં આજે શહેરમાં કયાંય પણ જાહેર સ્થળો પર પોરબંદરના રાજવીઓનું ક્યાંય યાદગીરીરૂપે પ્રતિમાપણ મૂકવામાં આવી નથી ત્યારે પોરબંદર જિલ્લા શિવસેનાએ પોરબંદર નગરપાલિકા સહિત તંત્ર સમક્ષ શહેરની મધ્યમાં આવેલા અને તાજેતરમાં જ નવા બનેલા મહારાણા નટવરસિંહજી ઉદ્યાનમાં આ પ્રતિમાને મૂકવા માંગ કરી છે તે ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન મહારાણા નટવરસિંહજી હતા માટે ઐતિહાસિક દુલિપ ક્રિકેટ સ્કૂલ ખાતે પણ તેમની પ્રતિમા મૂકવી જોઈએ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા દિલીપ ક્રિકેટ મેદાનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાં પણ મહારાણાની પ્રતિમા મૂકવી જોઇએ તેવી રજૂઆત શિવસેનાએ કરી છે.
જેમાં જિલ્લા પ્રમુખ અશોક થાનકીના જણાવ્યા મુજબ પોરબંદર શહેરમાં અનેક ઐતિહાસિક ઈમારતોની ભેટ આપનાર પોરબંદરના રાજવીના ઉપકાર જાણે સરકારી તંત્ર ભૂલી ગયું હોય તેમ તેઓની સ્મૃતિરૂપે ક્યાંય પણ પ્રતિમા મૂકવામાં આવી નથી. જ્યારે કે ભારતની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ જે ઇંગ્લેન્ડ ખાતે ૧૯૩૨માં યોજાઈ હતી તેના કપ્તાન પોરબંદરના મહારાણા નટવરસિંહ ભાવસિંહજી જેઠવા હતા. પોરબંદરના મહારાણા ખુબ જ પ્રજાવત્સલ રાજવી હતા અને તેના પરિણામે આજે પણ પોરબંદરમાં કોઈ પણ ઐતિહાસિક બાબતની વાત આવે તેટલે લોકોના મોઢા પર મહારાણા નટવરસિંહજીનું નામ આવે છે. મહારાણાની દીર્ઘ અને પારખું દ્રષ્ટિનું ઉત્તમ નમૂના સ્વરૂપે આજે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ હયાત છે. તો પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ, ભાવસિંહજી સ્કૂલ, દરિયાઈ મહેલ, રૂપાળીબા બાગ, રૂપાળીબા લેડી હોસ્પિટલ અને આર.જી.ટી. કોલેજ સહિતનું યોગદાન પોરબંદરના મહારાણા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે. જેની કિંમત આંકવામાં આવે તો આજે હજારો કરોડમાં ગણી શકાય.
આજે પણ તેઓની બનાવેલી ઈમારતોનો વપરાશ હોસ્પિટલ અને અનેક સરકારી કચેરી તરીકે કરવામાં આવે છે. તો મહારાણા નટવરસિંહજી દીર્ઘદ્રષ્ય હતા જેને કારણે ઈ. સ. ૧૯૨૦ પછી મહારાણા નટવરિસહજીના સમયમાં સર્વ સુખ સંપત્તિ તથા જ્ઞાન વિજ્ઞાનનો પ્રજાને લાભ મળ્યો હતો. ભોજેશ્વર પ્લોટ, કડિયા પ્લોટ, વાડી પ્લોટ, રાવલિયા પ્લોટ, છાંયા પ્લોટ, જ્યુબીલિ પ્લોટ, દુઘસર પ્લોટ, મીલપરા, નવો કુંભારવાડો સહિતના વિસ્તારોમાં વસવાટ અને વિકાસ તેઓના સમયમાં થયો હતો. તો આ મહાન રાજવીના સમયગાળામાં જીનીંગ અને પ્રેસિંગ તેમજ ઓઈલ ફેકટરીઓ, દીવાસળીનું કારખાનું, કાચનું કારખાનું, મહારાણા મીલ્સ તથા સોલ્ટ વર્કસ સહિતના ઉદ્યોગો શરૂ થઈ અને વિકાસ પણ થયો હતો.
તેમ છતાં આઝાદીની પોણી સદી બાદ પણ પોરબંદર શહેરભરમાં કયાંય પણ મહારાણા નટવરસિંહજીની પ્રતિમા મૂકવામાં આવી નથી. ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન એવા મહારાણા નટવરસિંહજીની યાદગીરી રૂપે પોરબંદર શહેરમાં ક્યાંય પ્રતિમા મૂકવામાં આવી નથી તો અન્ય રાજ્યના લોકો તેને કેવી રીતે યાદ કરે? આજે ટવેન્ટી ટવેન્ટી અને વર્લ્ડ કપ સહિતના ક્રિકેટ મેચોમાં કરોડો ક્રિકેટ રસિયાઓ રસ દાખવે છે પરંતુ પાયાના પથ્થર એવા ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન મહારાણા નટવરસિંહજીને ખુદ પોરબંદરનું સરકારી તંત્ર નગુણું બની ભૂલી ચૂક્યું છે તેમ જણાવી જિલ્લા પ્રમુખ અશોક થાનકીએ પોરબંદર નગરપાલિકા સમક્ષા વહેલી તકે શહેરમાં મહારાણા નટવરસિંહજીની પ્રતિમા મૂકી બાપુની યાદગીરી તાજી કરવા માંગ કરી છે.જેમાં શિવસેના દ્વારા ખીજડી પ્લોટ ખાતે આવેલ નટવરસિંહજી ઉદ્યાન માં પૂતળું મુકવા નગરપાલિકા પાસે માંગ કરવામાં આવી છે તેમજ ક્રિકેટ એસોસિએશન પાસે દિલીપ ગ્રાઉન્ડના નજીક નટવરસિંહજી બાપુનું પૂતળું મુકવા માંગ કરવામાં આવી છે. તેમજ આ બાબતે નગરપાલિકા નિયામક અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી છે. જો નજીકના દિવસોમાં આ બાબતે નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પોરબંદર જિલ્લાના હજારો શિવસૈનિકો ઉગ્ર આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.