રાણાવાવ ના અણીયારી ગામે પાંચ વર્ષ પહેલા ટાટા કંપની ના કર્મચારી પર હુમલો કરનાર બે શખ્સો ને કોર્ટે બે વર્ષ ની સજા ફટકારી છે.
રાણાવાવ ના અણીયારી ગામે આવેલ ટાટા કંપની ના એરિયા માં ફરજ બજાવતા મયંકભાઈ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ પાસે ગત તા.૨૭/૧૨/૨૦૧૮ નાં રોજ રામા નાથા ગુરગુટીયા તથા ભદુ પુંજા ગુરગુટીયા નામના શખ્સો પોતાના ખેતરમાં ડટ નાખવા માંગતા હોવાથી મયંકભાઈ પાસે ડટ ની માંગણી કરી હતી. આથી મયંકભાઈ એ કંપનીનો પત્ર હોય તો આપી શકાય તેમ કહેતા બન્ને શખ્સો એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો કાઢી હતી. અને રામાએ પોતાના હાથમાં રહેલ કડુ મયંકભાઈ ના માથાના ભાગે મારી ઈજા કરી હતી. તથા બન્ને શખ્સો એ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે અંગે તે સમયે બન્ને વિરુધ રાણાવાવ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા નજરે જોનાર સાહેદોના પુરાવાના આધારે એ.પી.પી. જયેશ એલ.ઓડેદરા ની દલીલનાં આધારે બંને આરોપીઓ ને આઈ.પી.સી. કલમ-૩૨૩ મુજબ ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂા.૫૦૦ નો દંડ તેમજ આઈ.પી.સી. કલમ-૩૨૪ મુજબ ર વર્ષની સાદી કેદની સજા અને રૂા.૧૦૦૦/- કરવાનો હુકમ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ, કોર્ટના જજ જી.ટી.સોલંકીએ કર્યો છે.