Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં ત્રણ કિલોમીટર ચાલીને સીમ શાળામાં બાળકોને ભણાવવા જતા શિક્ષકની સાફલ્ય ગાથા

સરકારી સેવા જો સાધનામાં પરિમણે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય.. આજે વાત કરવી છે. પોરબંદરના એક એવા શિક્ષકની કે જેમણે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં રહેતા માલધારીઓના બાળકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન માટે સંકલ્પ લીધો છે.

આજે વાત કરવી છે બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણ માટે પ્રતિબદ્ધ એવી ગુજરાત સરકારના એક એવા કર્મયોગી શિક્ષકની કે જે ત્રણ કિલોમીટર ચાલીને બાળકોને ભણાવવા જાય છે અને સાથે શાળાએ બાળકોને લઈ જાય છે. દુર્ગમ અને જંગલ વિસ્તારમાં રહેતા લોકોના પરિવારોના બાળકોને પણ શિક્ષણ મળે તે માટે પોરબંદરનું જીલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

પોરબંદરના રાણાવાવ તાલુકાના રાણાવારા નેશ પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા આચાર્યનું શ્રમદાન કાબિલેદાદ છે. આચાર્ય અશ્વિન કુમાર ભોઇ ઘરે ઘરે વિદ્યાર્થીઓને લેવા જાય છે. તેમજ વિદ્યાર્થીઓ પણ તૈયાર થઈને ઉત્સુકતાથી આચાર્યની રાહ જોતા હોય છે.

પોરબંદર બરડા વિસ્તારના ફોરેસ્ટ વિસ્તારમાં આવેલ રાણવારા નેસ પ્રાથમિક શાળામાં ધો ૧ થી ધો.૭ સુધીમાં ૩૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નેશ વિસ્તારમાં માલધારી સમાજ મોટાભાગે વસવાટ કરતો હોય છે. જે પશુપાલન સાથે સંકળયેલા છે. આ વિસ્તારમાં રહેતા તમામ બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રાથમિક શાળાનો સ્ટાફ કટિબદ્ધ છે. શાળાના આચાર્ય જાતે દરરોજ વહેલા આવીને ઘરે ઘરે વિદ્યાર્થીઓને લેવા જાય છે.

શિક્ષક અશ્વિનભાઈ તેમની સેવાની વાત કરતા કહે છે કે આમ કરવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ જાગે અને શાળા પ્રત્યે પ્રેમ જાગે છે તથા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ પણ કરે નહિ તથા વિશેષમાં મને ખુદને અંદરથી ઉત્સાહ હોવાથી ૩ કીમી ચાલી ને હું જાતે ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને શાળાએ લાવું છું.

આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળકોને નવીન બાબતોમાં રુચિ પડે તે માટે અમારી શાળામાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમ કે કિચન ગાર્ડન, પક્ષીઓને પાણી પીવડાવવું, અક્ષયપાત્ર, ચબુતરો, રમત ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ આપવામાં આવે છે.

કોરોના મહામારી જેવા કપરા સમયમાં સમગ્ર રાજ્યમાં શિક્ષણ કાર્ય બંધ હતું. પરંતુ સરકારની સૂચના અનુસાર ઓનલાઇન માધ્યમથી શિક્ષણ કાર્ય શરૂ રહે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ અમારી શાળા નેસ વિસ્તારમાં હોવાથી અહીંયા નેટવર્ક ઓછું આવવાને કારણે તેમજ બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે અમે એક નવતર અભિગમ અપનાવી “શેરી શિક્ષણ” શરૂ કર્યું હતું. જેમાં શાળામાં શિક્ષક અલગ અલગ સ્થળે બાળકોને બોલાવીને શિક્ષણ કાર્ય શરૂ રાખ્યું હતું. તેમજ આજુબાજુના નેસ વિસ્તારમાંથી આવતા બાળકોને જમવાની વ્યવસ્થા એમ.ડી.એમ સંચાલક જીવાભાઈ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. હું એ શાળાના શિક્ષિકા પોરીયા મીનાબહેને શેરી શિક્ષણ દ્રારા વિધાર્થીઓને શિક્ષણ પુરૂ પાડ્યુ હતું.

વધુમાં આચાર્યએ કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨ માં અમારી શાળામાં પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ડી. કણસાગરા શાળાના સર્વે બાબતે મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમને શાળાનું વાતાવરણ અને તેમજ વિવિધ પ્રવૃત્તિ દ્વારા બાળકોને અપાતું શિક્ષણકાર્ય જોઈ અમારી શાળાને એક ટેલિવિઝન ભેટમાં આપ્યું હતું. જેના થકી આજે બાળકોને ઓનલાઇન શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી રહ્યા છે જેના માટે આચાર્યએ પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ડી. કણસાગરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ નેસવિસ્તારમાં બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ પાથરતી આ શાળા અને તેના કર્મયોગી શિક્ષકની ટીમને અભિનંદન આપ્યા છે. કલેકટરએ આ શાળાના બાળકો માટે ગ્રાન્ટ ફાળવી સીમ શાળા માટે વર્ગ ખંડ ઓરડો બાંધવાનો પણ નિર્ણય લીધો છે અને આ કામગીરી વન વિભાગ કરશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે