પોરબંદર માં છેતરપિંડી સહિતના ગુન્હા માં લાંબા સમય થી નાસતા ફરતા બે આરોપીઓ ની મિલ્કત ટાંચ માં લેવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૮૨ તથા ૮૩ મુજબ ફરારી આરોપીઓના જાહેરનામા પ્રસિધ્ધ કરવા છતા હાજર ન થયા હોય તેવા આરોપીઓની મિલ્કત ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે સુચના અન્વયે કિર્તીમંદિર પોલીસ મથક માં ૨૦૨૦ માં જમીન ના ખોટા દસ્તાવેજ કરી પડાવી લેનાર શખ્સ વિજય નાથાભાઈ ખુંટી (રહે જુનું ચામુંડા માતાજી ના મંદિર પાસે,બખરલા )તથા ૨૦૦૯ ની સાલ માં છેતરપિંડી નો આરોપી દિલીપ નાનજી પોરીયા (રહે. છાયા એ.સી.સી. રોડ કુંભારવંડી પાસે ) ઘણા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હોવાથી તેઓને પકડવા અથાગ પ્રયત્નો કરવા છતાં પકડાયા ન હોવાથી પી આઈ જે.જે. ચૌધરી દ્વારા બન્ને વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૮ર મુજબની કાર્યવાહી કરવા કોર્ટમાં રીપોર્ટ કરતા બીજા એડી.ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ તા.૪/૧૧/૨૪ સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું હતું.
તેમ છતા બન્ને આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયા ન હોવાથી આરોપીઓ વિરૂધ્ધમાં સી.આર.પી.સી.કલમ ૮૩ મુજબ જંગમ કે સ્થાવર મિલ્કત ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવી છે. તથા આ સીવાયના અન્ય આરોપીઓ જે પોતાની ધરપકડ ટાળવા ઘણા સમયથી નાસતા ફરતા રહે છે. તે તમામ વિરૂધ્ધ પણ આ પ્રકારે ફરારી આરોપીઓના જાહેરનામાં પ્રસિધ્ધ કરવામાં આવશે અને તેમ છતા હાજર ન થયેલ આરોપીઓની મિલ્કત ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે.