રાણાવાવ નજીકના ભોદ ગામે વાડી વિસ્તારમાં દસ વર્ષ પહેલા ખેતમજૂરી કરવા આવેલા એમ.પી.ના શખ્સે પોતાની પત્નીની ઘાતકી હત્યા કરીને તેની લાશને દાટી દીધી હતી. આ ગુન્હામાં તેને આજીવન કેદની સજા પડી હતી. અને રાજકોટની જેલમાંથી તે વચગાળાના જામીન ઉપર ૧૪ દિવસ માટે છૂટયા બાદ ભાગી ગયો હતો. ચાર વર્ષથી વોન્ટેડ આ શખ્સ ને પેરોલ ફર્લો સ્કવોડે એમ.પી. જઈને ઝડપી લીધો છે.
રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦૧૫ માં પોતાની પત્નીના ખુનમાં આજીવન કેદની સજા પડેલ અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો છગન છીતુસીહ ઉર્ફે છીતુ સોલંકી (ઉવ ૩૮, રહે. ખરપાઇ ગામ તા.અંજડા પો.સ્ટે. નાનપુર જી. અલીરાજપુર) હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન પર ૧૪ દિવસ માટે રજા ઉપર ગયો હતો અને તેને ગત તા. ૧૬/૭/૨૦૨૧ ના જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ તે હાજર થયો ન હતો અને નાસતો ફરતો હતો પોરબંદર પેરોલ ફર્લો સ્કવોડ ના પી એસ આઈ એચ.એમ.જાડેજા તથા સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે છગન હાલ તેના વતનના ઘરે છે આથી પોલીસ તુરંત મધ્યપ્રદેશ દોડી ગઈ હતી અને છગન ને ઝડપી લઇ આગળ ની સજા કાપવા માટે રાજકોટ મધ્યસ્થ જેલ, પોપટપરા ખાતે સોપી આપ્યો છે.
આ શખ્શે એકાદ દાયકા પૂર્વે ભોદ ગામે વાડી વિસ્તાર માં પત્ની ની હત્યા કરી તેને દાટી દીધી હતી.ત્યાર બાદ તે ઝડપાયો હતો અને તેને આજીવન કેદ ની સજા પણ પડી હતી. પોલીસ એમપી ના ગ્રામ્ય પંથકમાં એક કિ.મી. સુધી વાડીમાં કાચા રસ્તામાં ચાલીને છગન છીતુસિંહને બહાર રોડ સુધી લાવી હતી તે દરમ્યાન તેણે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. રીઢા ગુન્હેગાર એવા છગનને પોલીસે પકડીને હવે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપ્યો છે.
