પોરબંદર પશુપાલન વિભાગ માં આઠેક વર્ષ પૂર્વે થયેલ કાગળ પર થયેલ પુસ્તિકા વિતરણ કૌભાંડ નું ભૂત ફરી ધુણ્યું છે. પોરબંદર ના પૂર્વ નાયબ પશુપાલન નિયામક વિરુધ પુસ્તિકા છપાવવાના બહાને ૨ લાખ થી વધુ ની રકમ ની ઉચાપત કરવા અંગે પોલીસ ફરિયાદ કરવા ગાંધીનગર સ્થિત પશુપાલન વિભાગ દ્વારા આદેશ આપવામાં આવતા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી દિનેશગીરી ગોસ્વામીએ પશુપાલન વિભાગ પાસે આઠેક વર્ષ પૂર્વે માહિતી માંગી હતી કે, વર્ષ 2012 માં આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસ દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં પશુપાલન વિભાગ ના અધિકારી નાયબ પશુપાલન નિયામક કે બી રાવલે પુસ્તિકા વિતરણ કર્યું હોવાનું જણાવી પુસ્તિકા છપાવવાનો ખર્ચ 1.36 લાખ તથા 75 હજાર જેવો થયો હોવાનું બીલ રજૂ કર્યું હતું.પરંતુ હકીકત માં પુસ્તિકા છપાવી જ ન હતી પુસ્તિકા છપાવ્યા વગર બીલ રજૂ કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારીનો હૂકમ હોવા છતાં પશુપાલન વિભાગે તેઓને 5 વર્ષથી માહિતી આપી નથી જેથી પુસ્તિકા છપાવ્યા વગર 2.11 લાખનું ખોટું બીલ રજૂ કરી કૌભાંડ આચરનાર સામે માહિતી અધિકાર નિયમનો ભંગ તથા ઉચાપતનો ગુન્હો દાખલ કરવા પાંચ વર્ષ પૂર્વે માંગ કરવામાં આવી હતી.
તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા દીનેશગીરી એ તકેદારી આયોગ ,મુખ્યમંત્રી સહીત ઉચ્ચ કક્ષા એ આ અંગે રજૂઆત કરી હતી ત્યાર બાદ પણ ધીમી ગતી એ કાર્યવાહી થતા અંતે હવે કે બી રાવલ સામે રૂ ૨.૧૧ લાખ ની ઉચાપત નો ગુન્હો નોંધવા પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા પોરબંદર ના પશુપાલન વિભાગ ના અધિકારી ને આદેશ કરાયો છે જેના પગલે ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ અધિકારીએ અગાઉ હરતા-ફરતા પશુ દવાખાનાના નામે તથા પશુઓ માટે ની દવા ખરીદવા માં લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો હતો જે મામલે તેઓને પાંચેક વર્ષ પૂર્વે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ એક કૌભાંડ માં ફરિયાદ ના પગલે ચકચાર મચી છે.