Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સોની વેપારી ની ઝીંદાદિલી:૧૫ બાળકોના મોઢા પર લાવી ચમક

પરપ્રાંતમાંથી મજૂરીકામ માટે આવતા બાળકો પાસે કોઈ ડોક્યુમેન્ટ નહી હોવાથી શાળામાં શિષ્યવૃત્તિ કે અન્ય કોઇ લાભ મળતા નથી પરંતુ શાળાએ જવા માટે સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અપાતી હતી જે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી રાણાવાવની આશાબા સીમશાળામાં ભણતા ૧૫ બાળકો ટ્રાન્સપોર્ટેશનના પૈસા ભરી શકે તેમ નહી હોવાથી અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. આથી આ શાળાના શિક્ષિકાએ પોરબંદરના જાણીતા સોની વેપારી અગ્રણીને સમગ્ર હકીકતની જાણ કરીને જો ડોનેશન આપવામાં આવે તો બાળકોનું ભણતર બગડે નહીં. તેવી અપીલ કરતા આ વેપારીએ પળનો પણ વિલંબ કર્યા વગર ૯૦ હજાર રૂપિયા જેવી માતબર રકમ વર્ષભર માટે ટ્રાન્સપોર્ટેશન અને સ્ટેશનરીની આપી દેતા આ બાળકો શાળાએ પુનઃ ભણતા થયા છે ત્યારે સોની વેપારીની સોના જેવી ચોવીસ કેરેટની શૈક્ષણિક સેવાને બિરદાવવામાં આવી છે.

રાણાવાવ તાલુકાની આશાબા સીમશાળામાં વાડી વિસ્તારમાંથી બાળકો ભણવા આવે છે.આવા બાળકો સ્વાભાવિક રીતે મજુરના બાળકો હોય છે.આશાબા સીમશાળામાં વાડી વિસ્તારમાંથી ઘણા બધા પરપ્રાંતીય મજુરના બાળકો ભણવા આવે છે.આવા બાળકો પાસે અહીંના ડોક્યુમેન્ટ ન હોવાના કારણે કોઈપણ જાતની સરકારી શિષ્યવૃત્તિ કે લાભો મળતા હોતા નથી.શાળામાં આ બાળકો અલગ-અલગ વિસ્તારોમાંથી આવે છે, આ બાળકોને અવર-જવર માટે સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવામાં આવતી હતી, પરંતુ થોડા સમય પહેલા નિયમોમાં આવેલા બદલાવને કારણે એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ બાળકોને મળતો બંધ થઈ ગયો. તેના લીધે સીમશાળામાં આવતા બાળકો ડ્રોપ આઉટ થઈ ગયા.ચાલીને આવવું શક્ય નહોતું અને ટ્રાન્સપોર્ટેશનના પૈસા ભરી શકે તેવી એ લોકોની પરિસ્થતિ નહોતી. એક ઘરમાંથી બે-ત્રણ ભાઈ-બેન હોય તો એમના માટે આ પ્રશ્ન ખુબ અઘરો થઈ ગયો હતો.બાળકો શાળા છોડી મજુરીએ જવા લાગ્યા હતા. ત્યારે આશાબા સીમશાળાના શિક્ષકોને મનમાં વિચાર આવ્યો કે આમાં હવે આપણે કંઈક કરવું જોઈએ.

આ વચ્ચે આશાબા સીમશાળાના શિક્ષિકા જલ્પાબેન ગંઢેચા (લાખાણી) ઝેવર જવેલર્સવાળા સંદીપભાઈ રાણીંગાને મળીને આ સમસ્યાની વાત કરી હતી. સંદીપભાઈ ખુબ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા સફળ બિઝનેસમેન છે એમના મતે સમાજમાં એજ્યુકેશન એ જ સમાજનો પાયો છે.આવી વિચારધારા ધરાવતા સંદીપભાઈએ જલ્પાબેને જણાવ્યા હતા તેવા શાળાના ૧૫ બાળકોને દત્તક લઈ બાળકોની ટ્રાન્સપોર્ટેશન, યુનિફોર્મ તથા નોટબુકની અને અન્ય સ્ટેશનરીની તમામ જવાબદારી એક જ મિનિટમાં ઉપાડી અને તમામ ખર્ચનો આંકડો જણાવી વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી.ઝેવર જવેલર્સ વાળા સંદીપભાઈ અને તેમના નાનાભાઈ જયભાઈએ શિક્ષણ માટે ભવિષ્યમાં એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ બનાવવાની પણ તૈયારી બતાવી હતી.સંદીપભાઈના આ ઉમદા વિચારોને આવકારતા આશાબા સીમશાળાના આચાર્ય દિનેશભાઈ પરમાર તેમનો આભાર માન્યો હતો.સંદીપભાઈ રાણીંગા દ્વારા આ પંદર બાળકોને દતક લઈ બાળકના સમગ્ર વર્ષના અભ્યાસક્રમ દરમિયાનના ટ્રાન્સપોર્ટેશન, ગણવેશ અને નોટબુકના કુલ ૯૦ હજાર જેટલી રકમ આશાબા સીમશાળાને ભેટમાં આપી છે. અને આ ૧૫ બાળકો જે શાળાએ નહોતા આવતા અને મજુરીએ જતા રહેલા હતા એમને આશાબા સીમશાળાના સ્ટાફે ફરીથી સ્કુલે આવતા કરેલા છે.આશાબાના સ્ટાફ રમેશભાઈ ખાખસ, વૈશાલીબેન પરમાર અને રીનાબેન ભુવા દ્વારા શાળાના બાળકો માટે ખુબ જહેમત ઉઠાવવામાં આવી હતી. સંદીપભાઈના આવા ઉદાર અને ઉમદા કાર્યમાં સાથ પુરાવતા શાળાના શિક્ષિકા જલ્પાબેન ગંઢેચાએ ૯૦,૦૦૦ માં ૧૦.૦૦૦ પોતાના ઉમેરી આ રકમ એક લાખ કરી અને આ બાળકોના વર્ષ દરમિયાનમાં તમામ જે ખર્ચ થશે તે પુર્ણ કરવાની જાહેરાત કરી છે.

આમ, શિક્ષિકાની જાગૃતિને કારણે અને સોની વેપારીની દિલેરીના કારણે ૧૫ બાળકો પુનઃ શાળાએ આવતા થયા છે ત્યારે સરકારે પણ આવા કિસ્સાઓમાં જાગૃતિ દાખવીને વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની જાય છે.

સંદીપભાઈ દ્વારા વર્ષભર અનેકવિધ સેવાભાવી પ્રવૃતિઓ કરવામાં આવે છે શહેર માં થતી વિવિધ સારી પ્રવૃતિઓ માં પણ તેઓનું યોગદાન મહત્વનું રહે છે. ત્યારે તેઓની આ પ્રવૃત્તિ ને પણ લોકો એ બિરદાવી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે