પોરબંદર ના બરડા ડુંગર ની લીલી પરિક્રમા નું ત્રીજના દિવસે જાંબુવંતી ગુફા ખાતેથી પ્રસ્થાન કરાયું હતું જેમાં ૧૫૫ યાત્રાળુઓ જોડાયા હતા આવતીકાલે ગુરુવારે પરિક્રમા નું સમાપન થશે.
રાણાવાવ નજીક આવેલ જાંબુવંતી ગુફાની આયોજક સમિતિ દ્વારા કારતક સુદને ત્રીજને સોમવાર તા. ૪- ૧૧થી બરડા ડુંગરની ચાર દિવસીય પરિક્રમા નો પ્રારંભ કરાયો હતો. આ પરિક્રમાનુ પ્રસ્થાન કરાવવા છાયા સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી, લીરબાઈ આશ્રમના પરમ પૂજ્ય દેવી આઈ, રાણાવાવ મોમાઈ મંદિરના ભુવાઆતા દેવાઆતા સહિત સંતો-મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્થાન બાદ જંગલના રસ્તે થઈ સાંજે રાણપુર ધિંગેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં રોકાણ કરવામાં આવ્યુ હતુ.
બીજા પડાવ માટે મંગળવારે વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ અને આ પરિક્રમા પાછતર ઘુમલી થઈ મોડપર આહિર સમાજ ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવ્યુ હતુ. આજે તા. ૬ ના વહેલી સવારે પાંચ વાગ્યે પ્રસ્થાન કરી બીલેશ્વર મહાદેવ ખાતે ચા નાસ્તો કરી રાત્રી મુકામ કષ્ટભંજન હનુમાનજીની જગ્યાએ કરવામાં આવશે. જયારે ચોથો પડાવ તા. ૭ના વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરી રાણાવાવ મુકામે જાંબુવંતીના ગુફા ખાતે પરિક્રમાની પૂર્ણાહુતિ થશે. પ્રકૃતિ વચ્ચે ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ પરિક્રમામાં જતા યાત્રાળુઓ સમગ્ર રૂટ ઉપર ભક્તિભાવ સાથે ભગવાનના ભજન કીર્તન કરતા જતા હતા. અને જ્યા પડાવ હોય ત્યાં તેના માટે ભોજન મહાપ્રસાદીનુ આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રસ્થાન વખતે ૧૫૫ યાત્રાળુઓ જોડાયા હતા. ત્યારબાદ રસ્તામાંથી અલગ અલગ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે બરડો ડુંગર દેવભૂમિ છે. અને ૧૪ મુ રતન માનવામાં આવે છે. તેમા અનેક દેવ-દેવીઓ તથા સંતો બિરાજે છે. શ્રી ત્રિકમાચાર્યબાપુ તથા શ્રી વિંધ્યવાસી (વેણુવાળીમા)ની તપોભૂમિ છે. સમસ્ત દેવી-દેવતાઓ, સંતો તથા બરડા દેવની પ્રદક્ષિણાનું આયોજન દર વર્ષે સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે દિવાળી ના તહેવાર પૂર્વ સુધી વરસાદ વરસી રહ્યો હતો. આથી સમગ્ર ધરતી લીલીછમ્મ જોવા મળી રહી છે અને અમુક જગ્યાએથી તો પાણીના ઝરણા ખળખળ વહી રહ્યા છે. જેની મોજ પણ રૂટ દરમ્યાન ભક્તો એ માણી હતી.