પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી .
સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં મહાશિવરાત્રિ
મહાશિવરાત્રીના મહાપર્વમાં સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રી હરિમંદિર માં સવારે ભગવાન શ્રીચંદ્રમૌલીશ્વર મહાદેવ પર ઋષિકુમારો દ્વારા ષોડશોપચાર પૂજન પૂર્વક લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ વર્ષે અનેક મનોરથીઓ આ દિવ્ય અભિષેકવિધિમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. જેના પ્રતિનિધિરૂપે ઋષિકુમારોએ પૂજા-અભિષેકવિધિ સંપન્ન કરી હતી. અભિષેક બાદ મધ્યાહ્નમાં મહાઆરતી સંપન્ન કરવામાં આવી. આ સાથે-સાથે સાંદીપનિની યજ્ઞશાળામાં ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ પણ કરવામાં આવ્યો. જેમાં પૂર્ણાહુતિમાં ગુરૂજનો અને સર્વે ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય ભાઈશ્રીની વારાણસીમાં ઉપસ્થિતિ
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પ્રત્યેક વર્ષ અનુસાર આ વર્ષે પણ વિશ્વમાં સુપ્રસિદ્ધ એવા બાર જ્યોતિર્લીંગમાંના એક વારાણસીના કાશીવિશ્વનાથના મંદિરમાં ઉપસ્થિત રહીને લઘુરુદ્રાભિષેક કર્યો હતો. આ સાથે શિવરાત્રી મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ તા.૧૭-૦૨-૨૦૨૩ થી તા. ૧૯-૦૨-૨૦૨૩ સુધી ૩૨મા ત્રિદિવસીય સંગીત મહોત્સવમાં પણ પૂજ્ય ભાઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સમારોહમાં પોતાની શ્રેષ્ઠ કલાઓનું પ્રદર્શન કરનારા સંગીતકલાકારો અને નૃત્યકારોને સન્માનિત કરીને આશીર્વાદ આપ્યા હતા. આ અગાઉ પૂજ્ય કાર્ષ્નિ ગુરુશરણાનંદજી મહારાજ, મલુકાપીઠાધિશ્વર પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજ સાથે પૂજ્ય ભાઇશ્રી કાશીવિશ્વનાથધામમાં યોજાયેલ સાત દિવસીય પંચક્રોશી યાત્રામાં પણ જોડાયા હતા. કાશીમાં રહીને વિદ્યાદેવીની ઉપાસના કરનારા અને અવિરત પોતાના જ્ઞાન દ્વારા અધ્યાપન કરાવનારા વિદ્વાનોનું પણ પૂજ્ય ભાઈશ્રીએ ભાવપૂજન કર્યું હતું.
બાબડામાં બાબડેશ્વર મહાદેવને અભિષેક
પોરબંદરથી ૯ કિમી દુર આવેલા બાબડા ગામે કે જ્યાં સાંદીપનિ સ્થિત સંસ્કૃત પાઠશાળાની સૌ પ્રથમ શરૂઆત થઇ હતી એવા દિવ્ય સ્થાન બાબડેશ્વર મહાદેવને ત્યાં પ્રત્યેક મહાશિવરાત્રી પર પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી ઋષિકુમારો દ્વારા લઘુરુદ્રાભિષેક કરવામાં છે. એ રીતે આજે પણ ૧૧ ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક બાબડેશ્વર મહાદેવ પર લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો.
શૃંગાર દર્શન અને પ્રહર પૂજા
સાંજે શ્રીહરિમંદિરમાં ભગવાન શ્રીચંદ્રમૌલીશ્વરના ગર્ભગૃહમાં અમરનાથના દિવ્ય શૃંગાર દર્શન યોજાયા હતા. જેના દર્શનનો અનેક દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. એ સાથે મહાશિવરાત્રિમાં પ્રહરપુજા-અભિષેકનું મહત્ત્વ હોય રાત્રે ૯:૦૦ થી બીજા દિવસે સવારે ૬:૦૦ સુધી એમ ત્રણ પ્રહરમાં પૂજા-અભિષેક સંપન્ન થયા હતા અને રાત્રે ૧૨:૦૦ વાગ્યે શ્રીચંદ્રમૌલીશ્વર મહાઆરતી સંપન્ન થઈ હતી. શ્રીહરિ મંદિરમાં થયેલા આ તમામ પૂજાવિધિ, અભિષેક અને આરતીનું પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.