પોરબંદર માં પવનચક્કી ના ડેપ્યુટી મેનેજર પાસે ૨૦ કરોડ ની ખંડણી માંગનાર શખ્સ ના પિતા એ આપઘાત કરી લેતા ચકચાર મચી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના કાંટેલા ગામે રહેતા રામભાઈ લાખાભાઈ મોઢવાડિયા (ઉવ ૫૯)નામના વૃદ્ધે તેની કુછડી ગામની બાહર સીમ માં આવેલ વાડીએ બુધવારે સાંજે ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના મૃતદેહ ને પીએમ અર્થે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક રામભાઈ ના પુત્ર પરબત સામે બે દિવસ પૂર્વે કે.પી. એનર્જી લિમીટેડ કંપની ના ડેપ્યુટી મેનેજર વિશાલ મૂળશંકર જોષી ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની પવનચક્કી ના ફીડરના પોલમા છેલ્લા બે મહિનામાં અલગ અલગ ચાર જગ્યાએ કોઈ શખ્સો એ પોલ કટ કરીને કંપનીનું આર્થિક નુકશાન કર્યુ હતુ. ત્યાર બાદ પરબત રામ મોઢવાડીયાએ તેને ફોન કરીને પવનચક્કી ના પોલ કાપી થતું નુકશાન અટકાવવું હોય તો રૂ ૨૦ કરોડ ની ખંડણી આપવી પડશે તેવી ધમકી આપી હતી.
આથી ખંડણી અંગે પરબત સામે ગુન્હો નોંધી પોલીસે ધરપકડ પણ કરી હતી. ત્યારે એકાએક તેના પિતા એ અંતિમ પગલું ભરી લેતા અનેક ચર્ચાઓ જાગી છે. મૃતકે સુસાઈડ નોટ પણ લખી હોવાનું અને તેમાં કેટલાક પોલીસકર્મીઓ ના નામ પણ હોવાનું સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસે હજુ સુધી આવી કોઈ સુસાઈડ મળી હોવાનો ઇન્કાર કર્યો હતો. તો મૃતક ના પરિવારજનો પણ હાલ આ મામલે મૌન સેવી લીધું છે. પોલીસે અગમ્ય કારણોસર પગલું ભર્યું હોવાની નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.