પોરબંદરમાં ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ફાયર એનઓસી ન ધરાવતી વધુ બે બહુમાળી ઈમારતો ના દરવાજા સીલ કર્યા છે. આગામી સમય માં આવી ઈમારતો ના પાણી કનેકશન અને ગટર કનેકશન કાપવાની કામગીરી પણ કરવામાં આવશે તેવું ફાયર ટીમે જણાવ્યું છે.
રાજકોટ સ્થિત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ રિજીયોનલના રિજીયોનલ ફાયર ઓફિસર અનિલભાઈ મારૂએ પોરબંદર પાલિકાના ચીફ ઓફિસરને લેખિત સુચના આપી ફાયર સેફટી તેમજ ફાયર એન.ઓ.સી. ધરાવતી ન હોય તેવી શહેર ની ૧૦૮ ઈમારતો ને સીલ કરવા સુચના અપાઈ હતી. જેથી પાલિકા દ્વારા આવી તમામ ઈમારતો ના આસામીઓ ને આખરી નોટીસ આપી તુરંત ફાયર સેફટી ના સાધનો વસાવી ફાયર એનઓસી મેળવી લેવા જણાવ્યું હતું. તેમ છતાં હજુ મોટા ભાગ ની બિલ્ડીંગ માં આ અંગે કાર્યવાહી થઈ નથી.
આથી પાલિકા દ્વારા બે દિવસ પહેલા બે ઈમારતો ના એક એક દરવાજા સીલ કરાયા હતા. જેમાં કમલાબાગ પાસે આવેલ શ્રીજી ટાવર ના ધંધાર્થીઓ એ પાલિકા ને રજૂઆત કરતા તેઓને સોમવાર સુધી નો સમય અપાયો છે. એ સિવાય આજે વાડી પ્લોટ વિસ્તાર માં આવેલ બે બહુમાળી ઈમારતો માં ચન્દન ફ્લેટ નો એક દરવાજો અને મીલેનીયમ ટાવર ના ત્રણ માંથી બે દરવાજા ફાયર ટીમે સીલ કર્યા હતા. આવી ઈમારતો માં સીલ ઉપરાંત આગામી સમય માં પાણી કનેકશન અને ગટર કનેકશન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ફાયર ટીમે જણાવ્યું હતું.