Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ભદ્રકાળી માતાજીની ગરબીનો આ નવરાત્રી એ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

પોરબંદર ના લીમડાચોક ખાતે શ્રી ભદ્રકાલી માતાજીના પરિસરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબીમંડળમાં ૯૯ વર્ષ પૂરા કરી આ વર્ષથી ૧૦૦ વર્ષ પૂરા થતા હોય આ વર્ષે ગરબી મંડલ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવા માટે તડામાર તૈયારીનો આરંભ થયો છે.

લીમડાચોક ખાતે આવેલ શ્રી ભદ્રકાલી માતાજીના મંદિર ખાતે તાજેતરમાં શ્રી ભદ્રકાળી દીવેચા કોળી સમાજ ગરબી મંડળના પ્રમુખ રામજીભાઈ છગનભાઈ બામણીયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મંડળના ઉપપ્રમુખ પ્રફુલ્લભાઈ નાથાભાઈ બામણીયા, ટ્રસ્ટી બાબુભાઈ રામજીભાઈ ભાલીયા, પ્રેમજીભાઈ વશરામભાઈ વાજા, ભીખુભાઈ હીરાભાઈ મકવાણા, પોરબંદર ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને સમાજરત્ન ડો. ઈશ્વરભાઈ ભરડા, મંદિરના પૂજારી અરવિંદભાઈ આચાર્ય, બિપીનભાઈ આચાર્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ ચર્ચા-વિમર્સના અંતે પોરબંદર સાન્દીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા, રાષ્ટ્રીય સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ થકી સર્વાનુમતે આ ભદ્રકાળી ગરબી મંડળની શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનુ નક્કી થતા ભવ્ય આયોજન કરવામાં આવશે. આગામી તા. ૩-૧૦-૨૪ ગુરુવારે રાત્રીના ૧૦ વાગ્યે નવરાત્રિના પ્રથમ નોરતે આ ભદ્રકાલી ગરબી મંડળનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ ભદ્રકાળી ગરબીની એક આગવી ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત થઇ છે તે પોરબંદર માટે ગૌરવપ્રદ અવસર છે. તેની ખુશી સમગ્ર પોરબંદર સીહત દેશ-વિદેશમાં છવાઈ છે.

મા શક્તિની ઉપાસનાથી માનવ હૃદયમાં માનવતા પ્રગટે એવા શુભ હેતુથી દિવેચા કોળી સમાજ ભદ્ર ગરબીમંડળની સ્થાપના વિક્રમ સંવત ૧૯૮૧માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઈ સોલંકી તથા તેમના મિત્રોએ કરી હતી. સ્વ. જાદવભાઇએ ભદ્રકાલી માતાજીના ગરબાની સ્વરચના કરી હતી. સ્વર, તાલ, લય આ ગરબીમાં જોવા મળે છે. આ ગરબીમાં ડિસ્કો ધુનમાં ફાવે તેમ રંગેચંગે કે ઢાળના ગીતો ગવાતા નથી. માત્ર ભદ્રકાલી માતાજીના ગરબા વચ્ચે ફરતા કોઈપણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે અને પાંચ પુરૂષોએ ફરજીયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે.

મા આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાલી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવા અને લેવાની મનાઇ છે. ગરબીમાં ઉઘાડુ માથુ ચાલે નહીં, આધુનિક યુવાનો રાજ્યના પ્રતિષ્ઠિત પદાધિકારી કે અધિકારીઓ પણ મોતી ભરેલી ટોપી પહેરવી પડે છે. ગરબીમાં આજે પણ કોળી સમાજના સક્રિય સેવાકર્મી એવા રામજીભાઈ બામણીયાની રાહબરી હેઠળ વિવિધ વેશભૂષામાં પણ ધોરણો જાળવી રાખ્યા છે. રામ-સીતા, જાનકી શિવ-પાર્વતી, નારદજી, લવ-કુશ, ભીષ્મ પિતામહ, હનુમાનજી વગેરે વેશભૂષા ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરૂષો ગાય છે, રમે છે. પોરબંદર, સૌરાષ્ટ્ર ગુજરાના ગૌરવરૂપ સાંસ્કૃતિક વારસો સાચવતી એક માત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવેચા કોળી જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરોને ફાળે જાય છે.

આ ગરબીની વિશેષતા એ છેકે ગરબીમાં લાઉડસ્પીકર રાખવાની મનાઈ છે. માત્ર દૈવી શક્તિની ઉપાસનાના ગુણગાન ગાવા અને ગવડાવવા એ ગરબીનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે