પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગના પટ્ટાવાળાને નોકરી પર લેવાનો કેસ લેબરકોર્ટે રદ કર્યો છે.
પોરબંદર જિલ્લાના આરોગ્ય અધિકારી સામે તેના વિભાગના પટાવાળા હરદાસ જેઠા પાંડાવદરા એ પોતાને ગેરકાયદેસર રીતે છુટો કરેલો હોવાનું જણાવી ફરી નોકરી ઉપર પાછો મૂળ જગ્યાએ લઇ લેવા માટે લેબર કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો. જેની સામે આરોગ્ય વિભાગ તરફે પેનલ એડવોકેટ વિજયકુમાર પંડયાએ ધારદાર રજૂઆતો કરી માંગણી ગેરવ્યાજબી હોવાનું ઠરાવવા જણાવ્યું હતું. જે મુજબ કર્મચારીએ પોતાને ગેરકાયદેસર છુટો કરેલ હોવાની અને પોતાની નિયુક્તી આરોગ્યશાખા એ કરી હોવા ઉપરાંત પોતાની પાંચ વર્ષથી વધારે સમયની નોકરીનો સમયગાળો હોવાની કોર્ટ સમક્ષ રજૂઆતો કરી હતી.
જેની સામે આરોગ્ય શાખાના એડવોકેટ વિજયકુમાર પંડયાએ અરજદારની ઉલટ તપાસ કરતા અરજદારે કોર્ટ સમક્ષ કબુલ કર્યું હતું કે પોતે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતનો નહીં પરંતુ કોન્ટ્રાકટર કંપની સકસેસ સર્વિસીસનો કામદાર છે. અને સમગ્ર કેસમાં આ કોન્ટ્રાકટર સંસ્થાને પક્ષકાર તરીકે અરજદારે જોડેલ નથી. અને અરજદારના જયારે કોન્ટ્રાકટરનો કર્મચારી હોય ત્યારે આરોગ્ય શાખા પાસે નોકરી ઉપર પરત લઇ લેવાની માંગણી કરી શકે નહીં. કારણકે આરોગ શાખા તેની નિમણુંક ઓથોરીટી જ નથી. એડવોકેટ ની રજુઆતોને કોર્ટે માન્ય રાખી અરજદારનો નોકરી ઉપર પરત લઇ લેવાનો કેસ ખર્ચ સહિત રદ ઠરાવ્યો છે.
				
															














