પોરબંદરમાં બુધવારે સિંધી સમાજના સંત દાંદુરામજીનો આજે જન્મોત્સવ ઉજવાશે જેમાં દિવસભર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
પોરબંદરના મેમણવાડા ખાતે આવેલ સિંધી સમાજના સંત શિરોમણી શ્રી ખાનુરામજી પૂજય માતા સાધણીજીનું મંદિર થલ્હી સાહેબના ગાદિનશીન સંત શિરોમણી શ્રી દાંદુરામજીનો જન્મોત્સવ આજે તા. ૨૮-૫-૨૦૨૫ના બુધવારે મંદિરે ધામધુમથી ઉજવવામાં આવશે, મંદિરના ગાદીપતિ સંત શ્રી મુલણશાહે જન્મોત્સવ વિષે માહિતી આપતા જણાવે છે કે પોરબંદર થલ્હીસાહેબ-મંદિરના ગાદિનશીન સંત શિરોમણી શ્રી દાંદુરામ સાહેબજીના ૨૮-૫-૨૫ના બુધવારના રોજ જન્મોત્સવ નિમિત્તે મેમણવાડા ખાતે આવેલ મંદિરે સાંજે ૫:૩૦ કલાકે ૧૦૧ સિંધી સમાજની બહેનો દ્વારા શ્રી સુખમની સાહેબનો પાઠ કરવામાં આવશે, સાંજે ૬:૧૫ કલાકે સંતશ્રી સાંઇ દાંદુરામ સાહેબના જીવન ચરિત્ર વિશે સર્વસંગતને માહિતગાર કરવામાં આવશે.
સાંજે ૬:૩૦ કલાકે ફૂલોની વર્ષાનો કાર્યક્રમ જેમાં સંતશ્રી સાંઇ દાંદુરામ સાહેબજીના તૈલચિત્ર સમક્ષ સર્વ સંગત દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવશે. સાંજે પોણા સાત વાગ્યે કેક કટીંગનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. સાંજે સાત વાગ્યે પૂજ્ય માતા સાધણી સાહેબજીની ધૂનીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સાંજે સવાસાત વાગ્યે શ્રી આરતી સાહેબ, શ્રી પલ્લવ સાહેબ થશે, સાંજે ૭:૩૦ કલાકે શ્રી પ્રસાદી સાહેબ રાખવામાં આવેલ છે. મંદિરના ગાદિપતિ સંતશ્રી મુલણશાહ ભારતીમાતા કાર્યક્રમના અંતે આર્શિવચન પાઠવશે.
પોરબંદર સિંધી સમાજના સર્વે ભાઈ-બહેનોને સંતશ્રી સાંઇ દાંદુરામ સાહેબજીના જન્મોત્સવ નિમિત્તે હાજરી આપવા સાદર નિમંત્રણ પાઠવવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના આયોજક સતિષભાઇ નવલાણી, રાજાભાઈ નવલાણી, સુનિલ નવલાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
