પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલ સુરુચિ સ્કૂલ નજીક નવરાત્રિના આયોજનમાં એક બાળકીને ઇનામ ઓછું અપાતા તેની માતાએ તે અંગે ગરબીના આગેવાનને રજૂઆત કર્યા બાદ ગરબીના આગેવાન સહિત છ શખ્શોએ આ મહિલાના પતિને મોતને ઘાટ ઉતારી દીધાના બનાવમાં પ્રથમ બોલાચાલી મૃતકની પત્નીએ ગરબીના આયોજકના પત્ની સહિત બે મહિલાઓ સામે કરી હતી. આથી તેમના કારણે આ ગુન્હાની શરૂઆત થઇ હતી તેમ જણાવીને એ બંને મહિલાઓ સામે પણ હત્યાનો ગુન્હો દાખલ થયો હતો. આથી તેમણે આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ સરકારી વકીલની ધારદાર દલીલ અનુસંધાને તેમની આ અરજી ફગાવી દેવામાં આવી છે.
બનાવની વિગત એવી હતી કે ઉદ્યોગનગર પોલીસમથકની હદમાં રહેતા માલીબેન સરમણભાઇ ઓડેદરાએ એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની દિકરી સુરુચી સ્કૂલ પાસે ગરબીમાં રહી હતી અને તેને એક ઇનામ ઓછું અપાતા તે અંગે માલીબેન ગરબીના આગેવાન રાજુભાઇ ભીખુભાઇ કેશવાલાને રજૂઆત કરવા ગયા હતા ત્યારે રાજુભાઇની પત્ની આશાબેન અને પૂનમબેન રાજા કુછડીયા, તેમજ આરોપી રામદે દ્વારા બોલાચાલી કરીને માલીબેનને ઘરે જતું રહેવા કહ્યું હતું તથા આશાબેન અને પુનમબેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આથી તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા અને તેનું મનદુઃખ રાખીને આરોપીઓ રાજા મુરૂભાઇ કુછડીયા, રાજુ ભીખુભાઇ કેશવાલા, રામદે અરશી બોખીરીયા, પ્રતિક કીશન ગોરાણીયા, મનીષ નવઘણભાઇ ઓડેદરા, હાર્દિક સુદામભાઇ હીરવેનાએ એકસંપ કરી, કાયદા વિરુધ્ધની મંડળી રચી અને પોતાનો સમાન ઇરાદો પાર પાડવા, લાકડાના ધોકાઓ તથા ટકા ધારણ કરી ત્રણથી ચાર મોટરસાઇકલોમાં ફરીયાદી માલીબેનના ઘરે આવીને ફરીયાદી તથા તેના પતિ સરમણને ગાળો બોલી, હતી.
આરોપીઓએ ફરીયાદીના પતિ સરમણને શરીરે આડેધડ લાકડાના ધોકા તથા ફટકા મારેલ અને ફરીયાદી પોતાના પતિને બચાવવા વચ્ચે પડતા આરોપી પ્રતિક કિશન ગોરાણીયાએ માલીબેનને પગમાં ધોકો મારી, પડખામાં પાટુ મારી મુંઢ ઇજા કરી, તેના પતિનું ખૂન કરવા તેના ઘરેથી સરમણભાઇ ઓડેદરાનું અપહરણ કરી મોટરસાઇકલોમાં લઇ જઇ લાકડાના ધોકા-ફટકા વડે મારી મારીને ફરીયાદીના પતિ સરમણને શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હતું. આ કામના ફરીયાદી માલીબેનની દીકરીને ગરબીમાં ઓછું ઇનામ મળતા તેમના દ્વારા ગરબીના આયોજક અને હાલના કામના આરોપી રામદેભાઇ બોખીરીયાને આ અંગે કહેતા તે લોકોએ ફરીયાદી સાથે બોલાચાલી કરેલી.
અને આ કામના ઉપરોકત આરોપી આશાબેન તથા સહઆરોપી પુનમબેન અને આરોપી રાજુ કેશવાલાએ ફરીયાદીની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરેલ અને આ કામના ઉપરોકત બન્ને આરોપી બહેનો આશાબેન તથા પુનમબેન દ્વારા ફરીયાદી માલીબેનને મારી નાખવાની ધમકી આપેલ હોય અને ગુન્હાની શરૂઆત આરોપી બહેનો દ્વારા થયેલ હોય અને આ કામેના ફરીયાદી ગરબીમાંથી જતા રહેલા બાદ આરોપી પૂનમબેન દ્વારા આરોપી પ્રતિક ગોરાણીયાને ફોન કરીને બોલાવેલ અને ઝઘડો કરવા માટે ઉશ્કેરણી કરેલ તથા આરોપી આશાબહેન દ્વારા આ કામના અન્ય સહઆરોપીઓને ઝઘડો કરવા માટે ઉશ્કેરણી કરેલ હોય અને જેથી આરોપીઓ આ કામના ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીને તથા તેના પતિને માર મારીને ફરીયાદીના પતિનું અપહરણ કરેલ હોય અને આ કામના આરોપીઓના મારથી આ કામના ફરીયાદીના પતિનું મૃત્યુ થયેલ હોય, આમ, ઉપરોકત ગુન્હાના કામે આગોતરા જામીન ઉપર છૂટવા માટે અરજી કરવામાં આવેલ બન્ને આરોપી બહેનોની સીધી જ સંડોવણી જણાઇ આવેલ હતી.
ઉપરોકત આરોપી બહેનો દ્વારા ફોજદારી આગોતરા જામીન ઉપર મુકત થવા માટે ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ પોરબંદર ખાતે આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી, જે અન્વયે સરકાર તરફે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ સોગંદનામું તથા આ કામના ફરીયાદી માલીબેન કે જેઓ હાલના કામે ઇજા પામનાર તથા મુખ્ય દાર્શનીક સાહેદ હોય તેઓનું તથા અન્ય મહત્વના સાહેદોના નિવેદનો તથા તપાસના કાગળો તેમજ પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવાની દલીલો માન્ય રાખી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. પંચાલ દ્વારા આ કામના ઉપરોકત આરોપી મહિલાઓ પૂનમબેન રાજા કુછડીયા અને આશાબેન રાજુ કેશવાલાની આગોતરા જામીન મળવા અંગેની અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે.