પોરબંદરના કુતિયાણા નજીક આવેલા બાવળાવદર ગામે રાજકોટ રહેતી મહિલાની અગાઉ થયેલી છેડતીના બનાવમાં ડખ્ખો થતા આ મહિલાના પતિની ૬ વર્ષ પૂર્વે ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં ત્રણ શખ્શો સામે ગુન્હો નોંધાયો હતો. તે પૈકી રાજકોટ રહેતા એક શખ્શને કોર્ટે આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. જયારે અન્ય બે શખ્શોને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
રેશમા નામની યુવતીએ જાવિદ કરીમ ઉઠામણા નામના રાજકોટ રહેતા રિક્ષાચાલક સાથે લગ્ન કર્યા હતા. અને તેઓ રાજકોટ ના દૂધ સાગર રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ કોલોની ના બ્લોક નં ૧૦૫૦ માં રહેતા હતા. રેશ્મા ની રાજકોટમાં જ રાધે હોટલ વાળી શેરી માં રહેતા દિલીપ અંબાવી ત્રાંબડીયા નામના શખ્સે અગાઉ છેડતી કરી હતી. તેથી તેના પતિ જાવિદ ઉઠામણાએ દિલીપને ઠપકો આપ્યો હતો. આથી તેનુ મનદુ:ખ રાખીને રેશમાના પતિની હત્યાનુ કાવતરૂ ઘડવામાં આવ્યુ હતુ.
જેમાં તેઓ બાવળાવદર ગામે દરગાહે આવવાના હતા તેવી માહિતીના આધારે દિલીપ અંબાવી ત્રાંબડીયા અને દેવાભાઈ ઉર્ફે દેવો ઉર્ફે ભુટો મેરામણ ચુંડાવદરા અને સુદા મીઠા કોડીયાતરે અગાઉથી પૂર્વ આયોજિત કાવતરુ રચીને પ્લાન બનાવ્યો હતો. જેમાં દિલીપ અંબાવી ત્રાંબડીયા પોતાની કારમાં તા. ૨૧-૯-૨૦૧૮ના રેશમા તથા તેના પતિ જાવિદની પાછળ આવ્યો હતો. જૂનાગઢ રહેતા દેવા ઉર્ફે દેવો ઉર્ફે ભુટોને સાથે લઇને ઉપલેટાના ટોલનાકા પાસે ભોલે હોટલ પાસે રેશમા તથા તેના પતિ છે તેવી ખાતરી કરી હતી. ત્યારબાદ દેવો ઉર્ફે ભુટોએ સુદા મીઠા કોડીયાતરને કુતિયાણા બાયપાસ પર મહોબતપરા ગામના પાટીયા પાસેથી દિલીપ અંબાવી ત્રાંબડીયા સાથે મોકલ્યો હતો. અને બાવળાવદર ગામે દરગાહ નજીક બપોરે એક વાગ્યાના સુમારે દિલીપે રેશમાના પતિ જાવિદ કરીમ સાથે બોલાચાલી કરી હતી. અને સુદા મીઠાએ જાવિદને પકડી રાખ્યો હતો તથા દિલીપ ત્રાંબડીયાએ છરી વડે જાવિદને છાતીના ભાગે બે ઘા મારીને હત્યા કરી હતી. જે અંગે કુતિયાણા પોલીસ મથકમાં આ ત્રણેય શખ્શો સામે હત્યા અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૬૨ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા તથા કુલ ૨૭ જેટલા સાહેદો તપાસવામાં આવેલા તેમજ સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. જે ની. જે અનુસંધાને સેશન્સ જજ આર.ટી. પંચાલ દ્વારા ઉપરોકત કામે રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી દિલીપ અંબાવીભાઈ ત્રાબડીયાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨,૩૨૪ તથા જી.પી. એકટની કલમ ૧૩૫ મુજબના ગુન્હામાં કસુરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા કુલ રૂા. ૬,૫૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે છે જ્યારે દેવાભાઈ ઉર્ફે દેવો ઉર્ફે ભુટો મેરામણભાઈ ચુંડાવદરા અને સુદાભાઈ મીઠાભાઈ કોડીયાતરને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે.