પોરબંદર ના મોઢવાડા ગામે અઢી વર્ષ પૂર્વે થયેલ અડવાણા ગામના દેવીપુજક યુવાન ની હત્યા મામલે કોર્ટે આરોપી ને દસ વર્ષ ની સખત કેદ ની સજા અને ૨૫ હજાર નો દંડ ફટકાર્યો છે.
મૂળ જામ ખંભાળિયા ના ભારા બેરાજા ના વતની તથા પોરબંદર ના અડવાણા ગામે સરકારી હોસ્પિટલ સામે આવેલ દેવીપુજકવાસ માં રહેતા અરવિંદ મેઘાભાઇ વાઘેલા (ઉવ૨૫ )નામના યુવાને અડવાણા ગામે વીસ વીઘા જમીન ભાગે વાવવા રાખી હોવાથી ગત તા ૩-૧૦ -૨૧ ના રોજ સવારે સાડા સાતેક વાગ્યે તે બાઈક લઇ ને અડવાણા થી મોઢવાડા માસી ના ઘરે જવાનું કહી નીકળ્યો હતો. ત્યાર બાદ તેની લાશ તા ૪ ના રોજ સવારે મોઢવાડા ગામે થી મળી આવી હતી. જે મામલે અરવિંદ ના નાના ભાઈ ગોવિંદે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે અરવિંદે તા. ૩/૧૦/૨૧ ના રાતના ભીની ઉર્ફે બેની લખુ ઉર્ફે કાલો ટપુભાઈ વાઘેલાની છેડતી કરતા લખુ ઉર્ફે કાલો જોઈ ગયો હતો. આથી તે કુહાડો લઈને અરવિંદ ને મારવા દોડ્યો હતો ભીની પણ તેની સાથે હતી. અરવિંદ દોડી ને મોઢવાડા ગામે મહેર સમાજ રોડ પર આવેલ રાજશી પરબતભાઈ મોઢવાડીયાના ઘર નજીક પહોંચ્યો ત્યારે ભીની એ તેને પકડી રાખ્યો હતો. અને લખુ એ લોખંડના કુહાડાથી અરવિંદ ના માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું.
જે અંગે બગવદર પોલીસ મથક માં ગુન્હો નોંધાયો હતો. આ કેસ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દવારા ૩૬ દસ્તાવેજી પુરાવાઓ તથા ૨૧ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા ની કોર્ટ દવારા આરોપી લખુ ઉર્ફે કાલો ને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.