સમગ્ર રાજ્ય માં ટીબી નાબુદી ક્ષેત્રે ગોલ્ડ મેડલ માટે એક માત્ર પોરબંદર જીલ્લો નોમીનેટ થયો છે. અને હાલ સેન્ટ્રલ એજન્સી દ્વારા ટીબી અંગે સર્વે કામગીરી શરુ કરાઈ છે.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ટી.બી.મુકત ભારત અભિયાન અનુસાર ૨૦૨૫ સુધીમાં સમગ્ર ભારતમાંથી ટી.બી. રોગની નાબૂદી કરવાનું લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યું છે. દેશભરમાં ટી.બી.ના ભારણમાં વ્યાપક તફાવત જોવા મળે છે. ટી.બી. નાબૂદી અંતર્ગત વિવિધ સ્તરે થતા પ્રયત્નો ઓળખી તેને પ્રમાણિત કરી અને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ૨૦૧૫ ની સરખામણીમાં ચાલુ વર્ષમાં જો ટી.બી.ના કેસોમાં ઓછામાં ઓછો ૮૦ ટકા નો ઘટાડો હોય તો તે જીલ્લા-રાજયને ‘ટી.બી.મુકત” દરજ્જો પ્રાપ્ત કરવા માન્યતા આપવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ભાગરૂપે પોરબંદર જીલ્લામાં ટી.બી.ના ભારણનો અંદાજ કાઢવા માટે એક સર્વે કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ ના વિમલભાઈ હિન્ડોચા એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સર્વે પોરબંદર શહેરમાં વોર્ડ નં. ૧૨/૮, વોર્ડ નં. ૮/ ૧૦ના વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બગવદર, વિસાવાડા, ભડ, અણિયારી, અમરદડ, આદિત્યાણા, મોડદર અને અમીપુરમાં થઇ રહ્યો છે. આ સર્વે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સેન્ટ્રલ ટી.બી. ડીવીઝન દિલ્લી, ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એપીડમીઓલોજી- આઇ.સી.એમ.આર.- એન.આઇ.ઇ. ના સીધી દેખરેખ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ચાલુ વર્ષે ગુજરાત રાજયનો એકમાત્ર પોરબંદર જીલ્લો સુવર્ણચંદ્રક માટે નોમીનેટ થયો છે. ઉલેખનીય છે કે ગત માર્ચ-૨૦૨૨ માં સીલ્વર મેડલ અને માર્ચ-૨૦૨૧ માં કાંસ્યપદક દ્વારા પોરબંદર જીલ્લાને ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો.