પોરબંદર ના સોઢાણા ગામના શ્રમિક નું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જે મામલે મૃતક ની પત્ની એ મીડિયા અને પોલીસ ને અલગ અલગ નિવેદન આપતા અનેક ચર્ચાઓ જાગી છે.
પોરબંદરના બરડા પંથકમાં મોટી સંખ્યામાંથી પરપ્રાંતીય મજૂરો મજૂરીકામ માટે આવે છે. ત્યારે સોઢાણા ગામે રહેતા ભરત વિસાણા નામના ખેડૂતના ખેતરમાં મધ્યપ્રદેશ નો ભેરુસિંહ અનીસિંહ નામનો યુવાન પરિવાર ચાર વર્ષ થી મજૂરીકામ કરતો હતો. રવિવારે સાંજે ભેરુસિંહ ને ઈજાગ્રસ્ત હાલતમાં પોરબંદર ની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માં લાવવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું છે. જે અંગે મૃતક ની પત્ની કલાબાઈ એ મીડિયા ને આપેલ નિવેદન માં એવું જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે સવારે ભેરુસિંહ તેની તબિયત સારી ન હોવાથી ઝુપડે બેઠો હતો. ત્યારે વાડી માલિક ભરતભાઇએ ત્યાં આવી અને કેમ કામે નથી ગયો ? તેમ કહી લાકડાના ધોકા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો.
આથી ઈજાગ્રસ્ત થયેલા ભેરુસિંહ ને ભરત પ્રથમ રાવલ ખાતે અને વધુ સ્થિતિ લથડતા રવિવારે પોરબંદરની સરકારી હોસ્પીટલે સારવાર માં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું છે. મજૂરની પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વાડીના માલિકે માર મારતા મોત થયું છે. તેમ છતાં તેણે હોસ્પિટલમાં આવી અને પૈસા આપીને ખોટું બોલવા પણ જણાવ્યું હતું.
જો કે આ અંગે બગવદર પોલીસે માત્ર એડી દાખલ કરતા પી એસ આઈ એ બી દેસાઈ ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે મૃતક ના પત્ની અને અન્ય પરિવારજનો એ પોલીસ ને એવું નિવેદન આપ્યું છે. કે ભેરુસિંહ પાંચેક દિવસ પહેલા નશા ની હાલત માં પડી જતા તેને માથા માં ઈજાઓ થઇ હતી. તેમ છતાં તેણે સારવાર કરાવી ન હતી. અને બહેન ના ઘરે ભાટિયા ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ બે દિવસ પહેલા બખરલા વાડી એ ગયો હતો. જ્યાં માથા માં દુખાવો ઉપડતા તે સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો. અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું છે. મૃતક ને સંતાન માં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે.
મૃતક ની પત્ની એ નિવેદન બદલતા સમગ્ર પંથક માં અનેક ચર્ચાઓ જાગી છે.