નવ મહિનાના અવકાશવાસ બાદ સુનીતા વિલીયમ્સની ઘરવાપસી થઈ છે ત્યારે જીવદયાપ્રેમીએ અડવાણાની ગૌશાળામાં ગાયમાતાના લીલા માટે ૩૦૦૦ રૂા. અર્પણ કર્યા છે.
૧.૪ અબજ ભારતીયોને જેની સિધ્ધિઓ ઉપર ગર્વ છે તેવા ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલીયમ્સ અને તેમના સાથી બુચ વીલ્મોર ભારતીય સમય મુજબ વહેલી સવારે ૩:૨૭ મિનિટે ફલોરીડાના કિનારે ઉતર્યા હતા. જેની માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વભરમાં ખુશી જોવા મળી છે અને સૌથી વધુ સ્પેશ વોક કરનાર સુનિતા વિશ્વની પ્રથમ મહિલા બની છે ત્યારે તેની ચારેબાજુ ઉજવણીઓ થઇ રહી છે. તેમાંથી પોરબંદર જિલ્લો પણ બાકાત નથી.
પોરબંદરના નાના એવા અડવાણા ગામમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ અને મુંગાજીવો માટે અવનવી કામગીરી હાથ ધરતા બચુભાઈ કાનાભાઈ ગોઢાણીયાએ સુનિતા વિલીયમ્સની અવકાશમાંથી ઘરવાપસી થતા અડવાણા ગૌશાળા ટ્રસ્ટને ૩૦૦૦ રૂા.નીરણ તથા ઘાસચારા માટે અર્પણ કર્યા હતા. ગૌશાળા ટ્રસ્ટના મંત્રી દીપકભાઈ પ્રભુદાસભાઈ થાનકીને આ રૂપિયા અર્પણ કરવામાં આવ્યા ત્યારે બચુભાઈ કાનાભાઈ ગોઢાણીયાને બિરદાવવામાં આવ્યા હતા અને એવુ જણાવવામાં આવ્યુ હતુ કે સુનિતા પૃથ્વી પર પરત ફર્યા તેની ખુશહાલીમાં ગાયમાતા માટે આ સેવાપ્રવૃત્તિ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે તેવો આશાવાદ દર્શાવાયો હતો.