પોરબંદર સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીનું ભારણ ઘટાડવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના દ્વારા સરકારને રજૂઆત થઇ છે.
પોરબંદર જીલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ લાખાભાઇ ચુંડાવદરા અને મંત્રી વેજાભાઇ કોડીયાતરે તંત્ર ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે. કે હાલમાં જ દર શનિવારે એકમ કસોટીના આયોજન બાબતે પત્ર થયો છે. જેમાં આ એકમ કસોટી તપાસી, પુનઃ કસોટી લેવા તેમજ તેની ઓનલાઇન એન્ટ્રી પણ કરવાની સુચનાઓ મળી છે.
સમગ્ર રાજ્યમાં આર.ટી.ઇ. એકટ અમલમાં છે. અને આ એકટ મુજબ શિક્ષકોએ પત્રક ‘એ’ રચનાત્મક મૂલ્યાંકન વર્ષ દરમ્યાન કરી,તેને આધારે જ વાર્ષિકના પરિણામ તૈયાર કરવાના થતા હોય છે.
આ ઉપરાંત બેઇઝ લાઇન સર્વે મૂલ્યાંકન, સ્કૂલ ઓફ એકસલન્સના સતત મૂલ્યાંકન પણ કરવાના થતા હોય અને ઓનલાઇન એન્ટ્રી પણ કરવાની થતી હોય છે. તેમજ શાળાએ શૈક્ષણિક મુલાકાતે આવનાર સી.આર.સી.સી., બી.આર.સી.સી., કેળવણી નિરીક્ષક, સ્કૂલ ઇન્સપેકટર વગેરે પણ પોતાના નિયત નમૂનાઓમાં મૂલ્યાંકન કરી ઓનલાઇન એન્ટ્રી કરતા હોય છે. હાલમાં જે એકમ કસોટીનું આયોજન આપેલ છે તે આર.ટી.ઇ. એકટને ધ્યાને લેતા, મૂલ્યાંકનનો અતિરેક છે. તેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી શકે તેમ છે. તેમજ પ્રાથમિક શાળાઓમાં કારકૂન, પટાવાળા, ડેટા એન્ટ્રી ઓપરેટર કે બીજો કોઇ સ્ટાફ હોતો નથી. આ બધી કામગીરીના ભારણને લીધે શિક્ષકો વર્ગખંડમાં જઇ શકતા નથી. જેથી આ એકમ કસોટીનું ભારણ ઘટાડવા રાજ્યના છેવાડાના શિક્ષકોનો અભિપ્રાય લઇ યોગ્ય કરવા રજૂઆત માં જણાવ્યું છે.