. પોરબંદરના માધવપુર ઘેડ સ્થિત શેઠ એન.ડી.આર હાઇસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ પરિક્ષાને કઈ રીતે તણાવ મુક્ત રીતે આપી શકે તે માટે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી જેમાં કલેકટરે પરીક્ષાર્થીઓ ને મોટીવેશન આપ્યું હતું.
પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ સ્થિત શેઠ એન.ડી.આર હાઇસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ પરિક્ષાને કઈ રીતે તણાવ મુક્ત રીતે આપી શકે તે માટે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી, જેમાં કલેકટર અશોક શર્માએ વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સંવાદ કરી વિધાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દૂર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટર શર્માએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, પરીક્ષાનું સારું પરિણામ જ માત્ર કારકિર્દી નથી, કલેકટરએ પોતાના વિદ્યાર્થી જીવનના અનુભવોને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી સખત પુરૂષાર્થ કરવા તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ ઉજાગર થાય તેવું પ્રેરણાત્મક પ્રસંગો કહ્યા હતા. આજના આધુનિક યુગમાં મોબાઇલ ફોન દ્વારા આમૂલ પરિવર્તન આવ્યું છે પરંતુ, તે એક પ્રકારનું દૂષણ છે, જેને કારણે વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ ફક્તને ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ કરવો જોઈએ. આ સાથે કલેકટરએ નિષ્ફળતા મળ્યા પછી સફળ થયેલા વૈજ્ઞાનિકો, ચિંતકોના ઉદહરણો આપી નિષ્ફળતા મળે તો આનંદ સાથે શીખતા રહેવા અનુરોધ કર્યો હતો.
આ સાથે જે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર હોય તેની સાથે રૂબરૂ પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં ચોરી ન કરવા, જીવનના મહત્વના આગામી પાંચ વર્ષ સુધી મોબાઇલથી દૂર રહેવા તેમજ અથાક પરિશ્રમ થકી સફળતા પ્રાપ્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતાં. જિલ્લા શિક્ષણાધિકારી કે.ડી. કણસાગરાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ભયમુક્ત થઈને પરીક્ષા આપવી જોઇએ તથા શૈક્ષણિક પરીક્ષાઓને ઉત્સવ માનીને હળવાશથી લેવી જોઇએ. ફક્ત મહેનત જ આગળ વધવાનો એક માત્ર માર્ગ છે. તેથી નિર્ભય થઇને પરીક્ષાઓનો સામનો કરી આગળ વધવા જણાવ્યું હતું. કાર્યક્રમ માં મામલતદાર ,સરપંચ,પી.એસ.આઇ. સહિત જુદી-જુદી શાળાના આચાર્યો શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.