પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણિયા કોલેજની વિદ્યાર્થીની પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત નેશનલ લેવલની સ્પર્ધામાં ગુજરાત સર્કલમાં પ્રથમ આવી છે જેથી તેને રૂ. ૨૫૦૦૦ નું ઈનામ તથા સર્ટીફીકેટ એનાયત કરાયા હતા.
ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં એફ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી ભાલીયા રિદ્ધી ગીરીશભાઈએ ભારત સરકારના પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત ઢાઈ અક્ષર પત્ર લેખન સ્પર્ધા અંતર્ગત વિઝન ફોર ઈન્ડીયા-૨૦૪૭ ટાઈટલ હેઠળ ઈનલેન્ડ લેટર કાર્ડમાં ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય તેને અનુરૂપ પોતાના મૌલિક વિચારો દર્શાવેલ હતા. જે અનુસંધાને ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમને પ્રથમ રેન્ક આપવામાં આવેલ છે. સાથે સાથે તેઓને સર્ટીફીકેટ અને રૂ. ૨૫૦૦૦નો પુરસ્કાર આપવામાં આવેલ છે. તેણીની આ સિદ્ધિએ ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ, પોરબંદર જીલ્લા માટે જ નહી પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવપ્રદાન કર્યું છે.
પોસ્ટ વિભાગના અધિકારી ડો. સંજય પૈડા, આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ, અશ્વિનભાઈ પરમાર માર્કેટીંગ એક્ઝીક્યુટીવ, જલ્પાબેન ડીવીઝનલ ઓફીસના મેમ્બર દ્વારા પ્રેયર એસેમ્બલીમાં પધારેલ હતા. જેમાં સંજયભાઈ પૈડાના હસ્તે રિદ્ધિને રૂ. ૨૫૦૦૦ ના ચેકની પ્રતિકૃતિ અને અશ્વિનભાઈ તથા જલ્પાબેનના હસ્તે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે ભાલીયા રીદ્ધ્ધીએ એસેમ્બલીમાં પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ કોલેજમાં શિક્ષણ ઉપરાંત અન્ય ઘણી બધી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આ સંસ્થા થકી જ હું આ પ્રતિસ્પર્ધામાં ભાગ લઈને એવોર્ડ વિજેતા બનેલી છે તેનું મને ખૂબ જ ગૌરવ છે. આ ઉદબોધનને એસેમ્બલીમાં હાજર તમામ વિદ્યાર્થીનીઓએ વધાવી લીધું હતું.
આ તકે સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણિયા અને એકેડમીક ટ્રસ્ટી હીનાબેન ઓડેદરાએ પણ રિદ્ધિબેનને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ડો. વિરમભાઈ ગોઢાણિયાએ જાહેરાત કરી હતી કે ભાલીયા રિદ્વિબેનને આ કોલેજમાં પોસ્ટ ગ્રેજયુએશન સુધીના અભ્યાસક્રમની ફી માફ કરી દેવામાં આવશે. રીધ્ધીની આ સિદ્ધિ બદલ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતન શાહ, શિક્ષણવિદ ડો. ભરડા , નેક કોર્ડીનેટર ડો. ઋષિ પંડયા તથા સમગ્ર સ્ટાફ પરિવારે તેમના પર અભિનંદનવર્ષા કરી હતી.




