પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં નવમાં નોરતે સવારે શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા સંપન્ન થઇ. કુમારિકાપૂજન અને મહિસાસુરમર્દિની માતાની વેદોક્ત મંત્રો સાથે પૂજા, મુખ્ય યજમાન દ્વારા શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનની પોથીપૂજન અને વેદપાઠ સાથે પૂજ્ય ભાઈશ્રી દ્વારા સંગીતમય શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો મંગલ આરંભ થયો.
કોકિલાબેન અંબાણીની ઉપસ્થિતિ
શારદીય નવરાત્રિ મહોત્સવમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા ચાલી રહેલા ૪૨મા શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનના નવમા દિવસે વિરામ દિવસે મુંબઈથી અંબાણી પરિવારના મોભી ભગવદીયા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આવીને શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે વિગ્રહોના દર્શન કરીને શ્રીરામચરિતપાઠ અનુષ્ઠાનમાં અને આરતીમાં પણ જોડાયા હતા. બપોર બાદ તેઓએ શ્રીહરિની બગીચીમાં સ્થાપિત મહિસાસુરમર્દિની માતાજીની વિધિવત પૂજા પણ કરી હતી.
શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પૂજ્ય ભાઈશ્રીનિ પ્રેરણાથી શ્રીહરિ મંદિરની બગીચીમાં માં મહિસાસુરમર્દિની માતાના પંડાલની સ્થાપના કરવામાં આવી છે અને જ્યાં સંપૂર્ણ નવરાત્રીમાં બંગાળ અને કાશીથી આવેલા બ્રાહ્મણો દ્વારા તથા સાંદીપનિના ઋષિકુમારો દ્વારા નિયમિત વિધિવત પૂજન-અર્ચન, ચાર વેદોના મંત્રોથી માં ભગવતીનિ સ્તુતિ, સંપૂર્ણ દેવીભાગવત પારાયણ, ચંડીપાઠ તથા દેવી ભગવતીના અનેક મનોરથ સંપન્ન કરવામાં આવ્યા. જેના મનોરથી તરીકે ભગવદીયા કોકિલાબેન અંબાણી દ્વારા સેવા આપવામાં આવી હતી.
અનુષ્ઠાનના વિરામ સમયે પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન
પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા એ અનુષ્ઠાનના વિરામ સમયે જણાવ્યું કે ૪૨માં શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનું ભક્તિપુષ્પ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્રજીના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ જે ભગવાનની જ અનુકંપાનું જ પરિણામ છે. કોઈપણ સાધનાનું સાતત્ય જરૂરી છે. જ્યાં સુધી આપણે સ્વસ્થ છીએ અને બધા પ્રકારની અનુકુળતા હોય અને મનમાં એ જ પ્રગાઢ અનુરાગ હોય ત્યારે વારંવાર નિયમપૂર્વક સાધન ભજનમાં રૂચી થાય છે એ માત્ર ને માત્ર પરમાત્માના અનુગ્રહથી જ સંભવ છે. પૂજ્ય ભાઈશ્રીએ અનુષ્ઠાનયાત્રાનું સ્મરણ કરતાં કહ્યું હતું કે સૌથી પહેલું અનુષ્ઠાન દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકામાં થયું હતું. ત્યારબાદ શ્રીરામચરિત માનસના નવ અનુષ્ઠાન રાવલ ખાતે સાંદીપનિના ટ્રસ્ટી સ્વ. તુલસીભાઈ હાથીની વાડીએ થયા. ત્યારબાદ વર્ષ ૧૯૯૨થી અહિયાં સાંદીપનિ પરિસરમાં આગળની અનુષ્ઠાનયાત્રાનો પ્રારંભ થયો જે શ્રીહરિની કૃપાથી આ વર્ષે ૪૨માં વર્ષે પહોચી છે અને આજે ૪૨મા અનુષ્ઠાનું ભક્તિપુષ્પ શ્રીરામજીના ચરણોમાં સમર્પિત કરીએ છીએ.
આજે આપણી વચ્ચે ભગવદીયા કોકિલાબેન અંબાણી પણ ઉપસ્થિત થયા છે. રાજર્ષિ કોકિલાબેન એમ કહીને પૂજ્ય ભાઈશ્રીએ રાજર્ષિ એવોર્ડ સન્માનની ક્ષણોને યાદ કરીને કહ્યું કે ત્યારે અનિલભાઈ અને ટીનાબેન એ રાજર્ષિનું ભાવપૂજન સ્વીકારવા આવ્યા હતા. એ કોરોનાકાળ હતો ત્યારે કોકિલાબેન લંડનથી આપણી સાથે જોડાયા હતા. એ કોરોનાના સમયથી જ એમનો મનોરથ હતો એ મુજબ શ્રીહરિ મંદિરના ગર્ભગૃહના બધા દ્વાર ચાંદીથી બનાવ્યા અને એ પછી ઘણા સમયબાદ ૪૨મા નવરાત્રિ અનુષ્ઠાનમાં દર્શન માટે કોકિલાબેન ઉપસ્થિત થયા છે. આપણે એનું સ્વાગત કરીએ છીએ. પૂજ્ય ભાઈશ્રીએ કોકિલાબેનનિ નિરામયતા અને દીર્ઘજીવન માટે કામના કરી હતી અને વ્યાસપીઠથી આશીર્વાદ આપ્યા હતા. પૂજ્ય ભાઈશ્રીએ કોકિલાબેનની ઉપસ્થિતિને લઈને જણાવ્યું કે આપ અહિયાં છો તો સંપૂર્ણ અંબાણી પરિવાર ઉપસ્થિત છે એમ કહીને સ્વ.ધીરુભાઈ અંબાણીથી લઈને પરિવારના સર્વે સભ્યોને યાદ કર્યા હતા. આ સાથે તાજેતરમાં મસ્કતમાં આયોજિત કથાના યજમાન અશ્વિનભાઈ અને દિવ્યાબેનનું અને ખુબજ સુવિખ્યાત સાહિત્યકાર અને હાસ્યકાર સાઈરામભાઈ દવેનું પણ પૂજ્ય ભાઈશ્રીએ સ્વાગત અને સન્માન કર્યું હતું.
આ વર્ષના શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મનોરથી ભગવદીયા દર્શનાબેન દિનેશભાઈ કાપડિયા વિશે પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે મુખ્ય મનોરથી હોવા છતાં નીચે બેસીને અનુષ્ઠાન કરે છે અને દર વર્ષે નવરાત્રિમાં જે રીતે ફુલમાળા તૈયાર કરે છે એમ આ વર્ષે પણ નિયમિત રીતે એ સેવા કરી છે. આ અવસરે પૂજ્ય ભાઈશ્રીએ સ્વ.દિનેશભાઈ કાપડિયાનું પણ સ્મરણ કર્યું હતું અને દર્શનાબેનને માટે સુસ્વાસ્થ્ય માટે કામના કરી હતી.
શ્રીહરિમંદિરનિ બગીચીમાં આ વર્ષે મહિસાસુરમર્દિની માતાજીના મંડપનની જે સ્થાપના કરવામાં આવી એ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરતા પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે શ્રીરામચરિત માનસમાં તુલસીદાસજીએ રામકથાને મહિસાસુરમર્દિની માતાની ઉપમા આપી છે. જે મોહરૂપી મહિસાસુરને મારે છે અને મોહ જ બધા દુઃખોનું કારણ છે. એટલે જ તુલસીદાસજીએ રાવણને મોહનું પ્રતિક કહ્યા છે. રામજીએ મોહરૂપી રાવણનો ઉદ્ધાર કર્યો છે. રામકથા કરાલકાલિકા બનીને મોહરૂપી મહિસાસુરને મારે છે. એ જ મહિસાસુરમર્દિની માતાજીની અહિયા સ્થાપના થઇ છે.
બંગાળથી આવેલા બ્રાહ્મણોએ માં ભગવતીની સેવા આરાધના કરી તથા કાશીથી આવેલા પંડિતો દ્વારા દરરોજ સાયંકાળે ચારેય વેદોના શ્રુતિગાન થયા હતા. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર વિભિન્ન યજ્ઞ અને અનુષ્ઠાન સંપન્ન થયા. પૂજ્ય ભાઈશ્રીએ વૈદિક રીચ્યુલ ટીમના ઋષિકુમાર અને બહારથી આવેલા સર્વે ભૂદેવો પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા હતા. નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન મેડીકલ કેમ્પ સંપન્ન થયા. તેમાં ssptના ટ્રસ્ટી અને ડૉ.સુરેશભાઈ ગાંધી સાથે જેઓ દર વર્ષે મેડીકલ કેમ્પનું સુચારુ આયોજન કરે છે તેવા ડૉ. ભરતભાઈ ગઢવીને તેમજ કેમ્પ માટે બહારથી આવેલા સર્વે ડોક્ટર્સને યાદ કરીએ પૂજ્ય ભાઈશ્રીએ શુભકામના પાઠવી હતી.
આ સાથે સંપૂર્ણ નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન સેવા આપનાર સર્વે ટ્રસ્ટીઓ, સૌ સેવકો અને અલગ-અલગ કમિટીના ઋષિકુમારોને કે જેઓએ ઉત્સાહપૂર્વક જે-જે સેવાઓ કરી છે તે સર્વેને પૂજ્ય ભાઈશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા. પૂજ્ય ભાઈશ્રી જણાવ્યું કે શ્રીહરિમંદિરમાં બિરાજિત કરુણામયી માં, બગીચીમાં મહિસાસુરમર્દિની માં, માં અન્નપુર્ણા, સૌમ્ય ભૈરવજી અને ગૌશાળામાં ગાયોના આશીર્વાદથી અને અનુગ્રહથી જ અનુષ્ઠાન અને દરેક કાર્યો સંપન્ન થયા છે. શ્રીવાલ્મીકી રામાયણના કથાવાચક પૂજ્ય જગદગુરુ રાઘવાચાર્યજીએ પણ નવરાત્રીમાં સતત બીજી વાર પધારીને સત્સંગનો લાભ આપ્યો. તુલસીદાસજી દ્વારા રચિત રામકથાનું પઠન તો આપણે કરીએ જ છીએ પણ શ્રીવાલ્મીકી રામાયણકથા શ્રવણનો લાભ ઓછો મળતો હોય છે. આ વર્ષે તેઓએ સતત બીજીવાર આવીને શ્રીવાલ્મીકી રામકથા સંભળાવી એના માટે આપણે સૌ એમના ચરણોમાં પ્રણામ કરીએ. શ્રીરામચરિતમાનસ પાઠને સૂરોથી અલંકૃત કરનાર સૌ સંગીતકારો તથા ગુરુજનો અને ઋષિકુમારોએ પણ ગાયન કર્યું તથા શ્રીવાલ્મીકી રામકથાના સંગીતકારોને પણ પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વાદ આપ્યા હતા અને સંપૂર્ણ ઉપક્રમને અચ્યુતમ્ કેશવં.. શ્લોકથી વિરામ આપ્યો હતો.
આ સાથે શ્રીરામચરિત માનસની આરતી થાય એ પૂર્વે પૂજ્ય ભાઈશ્રીએ ૪૨માં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી શ્રીમતી દર્શનાબેન દિનેશભાઈ કાપડિયા અને પરિવારને વ્યાસપીઠથી સન્માન કરીને આશીર્વાદ આપ્યા હતા અને અનુપભાઈ કાપડિયાએ પોતાના હૃદયસ્થ ભાવ પણ વ્યક્ત કર્યા હતા.
શ્રીવાલ્મીકી રામકથાનું સમાપન
સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ચાલી રહેલા ૪૨માં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં આ વર્ષે સતત બીજી વાર અયોધ્યાથી પધારીને શ્રીમદ જગદગુરુ રામાનુજાચાર્ય સ્વામી શ્રીરાઘવાચાર્યએ નવદિવસ પર્યંત શ્રીવાલ્મીકિ રામકથાનું કરાવીને નવામાં દિવસે કથાને વિરામ આપ્યો હતો. કથાના વિરામ બાદ પૂજ્ય મહારાજજીએ સાંદીપનિના દિવ્ય વાતાવરણ, વ્યવસ્થા અને ઋષિકુમારોના શિષ્ટાચારની પ્રશંસા કરીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ અવસરે પૂજ્ય ભાઈશ્રીએ પૂજ્ય રાઘવાચાર્યાજીનું પૂજન કરીને અભિવાદન પત્ર અર્પણ કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ
શારદીય નવરાત્રીના અંતિમ દિવસે શ્રીહરિમંદિર તથા મહિસાસુરમર્દિની માતાજીની સાયં આરતી બાદ પોરબંદરની વિશ્વવિખ્યાત રાણાભાઇ સીડાની મહેર રાસ મંડળી દ્વારા પૂજ્ય ભાઈશ્રી અને મહેમાનોની ઉપસ્થિતિમાં સુંદર મજાનો મણિયારો રાસ રજુ કરવામાં આવ્યો હતો અને આવેલા સૌ મહેમાનો અને ઋષિકુમારો પણ ગરબા રમ્યા હતા.
સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં અનેક મનોરથ સંપન્ન થયા. જેમાં અનેક દેશ તથા વિદેશથી આવેલા ભાવિકોએ પ્રત્યક્ષ મનોરથ-દર્શનનો લાભ લીધો હતો અને અનેક ભાવિકોએ sandipani.tv ના માધ્યમથી જોડાઈને પણ અનુષ્ઠાન અને મનોરથ-દર્શનનો લાભ લીધો હતો.



