પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી ઓછામાં ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓ ને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા તા 10 જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન યોજાશે.
પોરબંદર માં ઉત્તરાયણને લઈ લોકો પતંગ ખરીદવા અને ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે. બીજી બાજુ વન વિભાગ ઉત્તરાયણમાં પતંગથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે અને પક્ષીઓના જીવ ન જાય તેના માટે સજ્જ બન્યો છે. પોરબંદર પંથક માં મોટી સંખ્યા માં વિદેશી પક્ષીઓ એ પડાવ નાખ્યો છે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઈંજાગ્રસ્ત બને છે. અને મોત ને પણ ભેટે છે. ત્યારે ઓછા માં ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તે માટે વન વિભાગ દ્વારા તા 10 થી તા.20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન નું આયોજન કરાયું છે.
જે અંતર્ગત ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષીઅભ્યારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે. જેમાં વન વિભાગ ના વેટરનરી તબીબ,ખાપટ પશુ દવાખાનાના તબીબ,૧૯૬૨ એનીમલ હેલ્પલાઇન ના પશુ તબીબ હાજર રહેશે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન,દવા,બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવશે. પક્ષીઓ ની સારવાર અને વ્યવસ્થા માટે વિવિધ સંસ્થાઓ નો પણ સહયોગ લેવામાં આવશે. જેના માટે અભયારણ્ય બહાર મંડપ બનાવવામાં આવશે.
અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષી લાવનાર ના નામ,વિસ્તાર,પક્ષી ની પ્રજાતિ સહિતની વિગતો માટે રજીસ્ટર રાખવામાં આવશે. જિલ્લામાં વિવિધ સંસ્થાના કાર્યકરો ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે તૈયાર રહેશે. પતંગના દોરથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવશે. વન વિભાગે લોકોને સવારે 9 પહેલા અને સાંજે 7 પછી પતંગ ન ઉડાવવા અપીલ કરી છે.
ચાઇનીઝ દોરા અંગે ખાસ ચેકિંગ હાથ ધરાશે
મોટે ભાગે પક્ષીઓ ને ઈજા કાચ ના પાયેલા અને ચાઇનીઝ દોર થી વધુ થતી હોય છે. આવા દોરા પક્ષીઓ માટે ખુબ ઘાતક નીવડે છે. ત્યારે ચાઇનીઝ અને કાચ થી પાયેલા દોર નો ઉપયોગ ન કરવા વન વિભાગે અપીલ કરી છે. અને આગામી સમય માં વન વિભાગ દ્વારા પતંગની વિવિધ દુકાનો ખાતે ચાઇનીઝ દોર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ અંગે સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. આમ પક્ષીઓ ને સૌથી ઓછુ નુકશાન થાય તે માટે વન વિભાગે તૈયારીઓ શરુ કરી છે.