પોરબંદરના નગરપાલીકા દ્વારા સ્વચ્છતા રેન્કીંગ સ્પર્ધાનું આયોજન સરકારી કચેરી, હોટેલ, હોસ્પીટલ, શાળા માટે કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા પ્રકારના માપદંડોના આધારે ચકાસણી બાદ વિજેતાઓને સન્માનપત્ર આપી બિરદાવાયા હતા.
પોરબંદર પાલિકા દ્વારા સ્વચ્છતા રેન્કીંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ સર્વેક્ષણ ‘મેરા શહેર, મેરી પહેચાન’ અંતર્ગત વિવિધ હોટલો, હોસ્પિટલો, સરકારી કચેરીઓ અને શાળાઓ માં સ્વચ્છતાના જુદા જુદા માપદંડો તપાસવામાં આવ્યા હતા, જેમાં દૈનિક સ્વચ્છતા, શૌચાલય અને બાથરૂમની સ્વચ્છતા, શાળામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલય અને બાથરૂમ તથા તેની સ્વચ્છતા, હોસ્પીટલમાં બાયોમેડીકલ વેસ્ટનો નિયમોનુસાર નિકાલ, હોસ્પીટલમાં સાફ-સફાઈ, પાણીની વ્યવસ્થા, શૌચાલયની સફાઇ, હોટલમાં કિચનની સ્વચ્છતા, ઘન કચરા અને પ્રવાહી કચરાના નિકાલ માટેની કામગીરી, સરકારી કચેરીઓમાં કોમન ટોયલેટની સફાઈ, પાણીની વ્યવસ્થા, શાળામાં બાથરૂમ પાસે હેન્ડવોશની સુવિધા, વર્ગખંડમાં કચરાપેટીની સગવડ વગેરે જુદા જુદા માપદંડોના આધારે ૧૦૦ માર્કસ નકકી કરવામાં આવ્યા હતા અને અલગ અલગ પ્રકારનું સર્વેક્ષણ હાથ ધરાયું હતું.
સરકારી કચેરીઓમાં પ્રથમક્રમે જીલ્લા પોલીસવડાની કચેરી વિજેતા બની હતી, બીજા ક્રમે કલેકટર કચેરી અને ત્રીજા ક્રમે જી.એમ.બી. કચેરી વિજેતા બની હતી. એ સિવાય ખાનગી શાળાઓ અને હોસ્પિટલો તથા હોટલો માં પણ જુદી જુદી કેટેગરીવાઇઝ વિજેતાઓને સન્માનપત્ર અપાયા હતા.