રાણાવાવ ના ઠોયાણા ગામે માટીચોરી અંગે કલેકટર ને ફરિયાદ બાદ ખાણખનીજ વિભાગે ઊંઘ ઉડાડી ૧ કરોડ થી વધુ નો મુદામાલ કબજે કર્યો છે.
રાણાવાવ ના ઠોયાણા ગામે માટી ચોરી થતી હોવાનું અને ટ્રક અને ડમ્ફર જેવા વાહનો ભરી માટીનું વેચાણ થતું હોવાની ફરિયાદ વહીવટીતંત્રને મળતા કલેકટર એસ. ડી. ધાનાણીએ તુરંત ખાણખનીજ વિભાગ ને કાર્યવાહી કરવા સુચના આપતા અધિકારીઓ ની ઊંઘ ઉડી હતી અને તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને તપાસ હાથ ધરી ગેરકાયદે માટી ખનીજ ખનન કરતાં એક એક્ષેવેટેર મશીન તેમજ ચાર ડમ્પર ઝડપી લીધા હતા. ખનન કરનાર શખ્સ ઓડેદરા પરબત દુદાભાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તમામ મશીનરી ટીમ દ્વારા સીઝ કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે સીઝ કરેલ મુદ્દામાલ ની અદાજીત કિંમત ૧ કરોડ ૧૦ લાખ રૂપિયા હોવાનું તંત્રએ જાહેર કર્યુ છે.જો કે સ્થાનિકો માં થતી ચર્ચા મુજબ છેલ્લા ઘણા સમય થી અહી માટી ચોરી ચાલી રહી છે. જે અંગે ખાણખનીજ વિભાગ ને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. અને સ્થળ પર જે મુદામાલ પકડાયો છે તે નજીવો જ છે અહી દિવસ રાત સતત વાહનો વડે માટી નું વહન થતું હતું. પરંતુ ખાણખનીજ ના દરોડા વખતે માત્ર એક જ એક્ષેવેટેર મશીન તેમજ ચાર ડમ્પર ઝડપાયા છે.
જીલ્લા માં અનેક સ્થળો એ માટીચોર સક્રિય :ખાણખનીજ ખાતા ના આંખ આડા કાન
જીલ્લા માં અનેક સ્થળો એ માટી ચોર સક્રિય બન્યા છે ખેડૂતો ને માટી ની જરૂરિયાત હોય ત્યારે આવા તત્વો સરકારી અને ગૌચર ની જમીન પર મશીનો મૂકી માટી નું વેચાણ કરી રહ્યા છે. પરંતુ ખનીજચોરી અટકાવવાની જવાબદારી છે. તે ખાણખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. અને ખાણખનીજ ખાતા ની મીઠી નજર હેઠળ જ અનેક સ્થળો એ નદી ની મીઠી રેતી ની પણ ચોરી થઇ રહી છે. અને જાહેર સ્થળો એ તેના ઢગલા કરી વેચાણ પણ થઇ રહ્યું છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે વિજીલન્સ ટીમો ત્રાટકે અથવા એસ એમ સી દ્વારા દરોડા પાડવામાં આવે તો કરોડો ની નદી ની મીઠી રેતીની ચોરી અને માટી ચોરી સામે આવે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

