પોરબંદરમાં સ્નૂકર અને બીલીયર્ડસની ચાર જિલ્લાની હરિફાઈ યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા માં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સ્ટેટ બિલીયર્ડ એસોસીએશન અને એપેકસ સ્પોર્ટ દ્વારા પોરબંદર- દ્વારકા, જામનગર, જૂનાગઢના ચાર જિલ્લાની સ્નૂકર અને બિલીયર્ડની સ્પર્ધા પોરબંદર સ્નૂકર એન્ડ પુલ પાર્લર, એમ.જી. રોડ ખાતે યોજવામાં આવી હતી.
છેલ્લા ૧૨ દિવસથી પોરબંદર જુદા-જુદા વિભાગોની કુલ ૧૭૮ પ્લેયરોની વચ્ચે સ્પર્ધા યોજાયેલ હતી. જેમાં સીનીયર સ્નૂકરમાં વિવેક રાયદેભાઈ મોઢવાડીયા, બિલીયર્ડમાં ચેતનભાઈ પોસ્તરીયા, જૂનિયર સ્નૂકરમાં વત્સ ખેતરપાળ, સબજુનિયર સ્નૂકરમાં સાહિલ ઓડેદરા, ૬-રેડ સ્નૂકરમાં ગૌરવ વારા વિજેતા થયા હતા. તેઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવાનો ઇનામ વિતરણનો કાર્યક્રમ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં અન્ય આમંત્રિત મહેમાનોમાં સામતભાઇ ઓડેદરા, રામભાઈ ઓડેદરાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. વિજેતાઓને શિલ્ડ, મેડલ અને રોકડ પુરસ્કાર અને સર્ટીફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સ્પર્ધા અને કાર્યક્રમનું આયોજન પોરબંદર સ્નૂકર એન્ડ પુલ પાર્લરના વિવેકભાઈ રાયદેભાઈ મોઢવાડીયાની દેખરેખ તથા માર્ગદર્શન નીચે કરવામાં આવ્યુ હતુ.
સીનીયર સ્નૂકરમાં યશ ઢાંકી, દૈન્ય કારીયા, નિરવ ખત્રી, ૬-રેડ સ્નુકરમાં યશ ઢાંકી, ભોજાભાઈ જાડેજા, શ્યામ માખેચા, જુનિયર સ્નુકરમાં મીત મદલાણી, શ્યામ માખેચા, દિવ્યેશ ગંધરૂકીયા, સબ જુનિયર સ્નુકરમાં કિશન કોટક, રીશીલ મદલાણી, અંકિત ચુડાસમા, બિલીયર્ડમાં વિવેક મોઢવાડીયા, નિરવખત્રી, ધર્મેશ ભાઈ ગઢવીને મેડલ અને સર્ટીફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓ સુરત મુકામે રાજ્યકક્ષાની સ્પર્ધામાં દરેક વિભાગમાં પોરબંદર ઝોનનું પ્રતિનિધિત્વ કરી કાંડાનું કૌવત દાખવશે. તમામ ખેલાડીઓને રાજ્યકક્ષાએ પોરબંદરનું નામ રોશન કરવા અર્જુનભાઈ મોઢવાડીયાએ શુભેચ્છા પાઠવી હતી.






