પોરબંદરમાં સમસ્ત દિવેચા કોળી જ્ઞાતિ દ્વાર છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આગામી તા.૧ર મેને રવિવારના દિવસે કરવામાં આવ્યું છે. જેમાં ૧૩ યુગલો પ્રભુતામા પગલા માંડી દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરશે.
પોરબંદરમાં સમસ્ત દિવેચા કોળી જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કોળી સમાજના સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવી રહ્યાં છે. શહેરમાં આવેલ અરબી સમુદ્રના કિનારે ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન થઇ રહ્યું છે. સમસ્ત દિવેચા કોળી જ્ઞાતિના પ્રમુખ ભગવાનજીભાઇ કાનજીભાઇ ચાવડા, ઉપપ્રમુખ મગનજીભાઇ મુળજીભાઇ બામણિયા, કમિટિના પ્રમુખ ભરતભાઇ જેન્તીલાલ બારિયા, પટેલ હિતેશભાઇ ચુનીલાલ વાજા, અમૃતલાલ હરિલાલ ભાલિયા, ટ્રસ્ટી લક્ષમણભાઇ જેન્તીલાલ બારિયા તથા દિવેચા કોળી જ્ઞાતિના પટેલો સહિત આ સમૂહ લગ્નોત્સવના આયોજનને સફળ બનાવવા તૈયારીઓ હાથ ધરી રહ્યાં છે. ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આગામી તા.૧ર મેના રવિવારના દિવસે સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે.
મંડપ રોપણ, જાનના સામૈયા, હસ્તમેળાપ, આર્શીવચન, મંગલફેરા અને ૩ વાગ્યે ક્નયા વિદાયના પ્રસંગ યોજવામાં આવશે. તેમજ રવિવારના દિવસે સવારે ૧૧ કલાકે સમૂહ લગ્ન પ્રસંગે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. આ સમૂહ લગ્નમાં ૧૩ યુગલો પ્રભુતામાં પગલા માડશે અને તેઓ તેમના દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરશે. પાનેતર, સોનાની નથડી, સોનાના દાણા, ચાંદીની વસ્તુઓ, સ્ટીલ ડિનર સેટ, બાજોઠ, પાટલા, સ્ટીલ ગોરી, ખુરશી, કૂકર, સેન્ડવીચ મશીન સહિતની અનેક વસ્તુઓ કરિયાવર સ્વરૂપે દિકરીઓને દાતાના સહયોગથી દાનમાં આપવામાં આવશે. લગ્નમાં નામ નોંધાવનાર દંપત્તિને લગ્ન સર્ટિફીકેટ લગ્નના દિવસે જ અધિકારીઓના હસ્તે અપાશે.
કુવરબાઇનું મામેરૂ અને સાત ફેરા સહાયના ફોર્મ આયોજક સમિતિ તૈયાર કરી આપશે. આ સમૂહ લગ્ન પ્રસંગમાં દાતાઓએ માતબર રકમનું દાન સમૂહ લગન પ્રસંગને સફળ બનાવવા આપ્યું છે. આ સમૂહ લગ્ન પ્રસંગે દિવેચા કોળી સમાજ, ઘેડિયા કોળી સમાજ, ચુવાડિયા કોળી સમાજ, તળપદા કોળી સમાજ સહિતે શુભેચ્છા પાઠવી છે. શાસ્ત્રી ગૌતમકુમાર આરંભડિયા લગ્નવિધી કરાવશે. મનસુખભાઇ માંડવિયા, અર્જુનભાઇ મોઢવાડિયા, બાબુભાઇ બોખીરિયા, રમેશભાઇ ધડૂક, ડો. ચેતનાબેન તિવારી, પંકજભાઇ મજીઠિયા, ભલાભાઇ મૈયારિયા, વિશાલભાઇ બામણિયા, ભરતભાઇ બામણિયા, અશોકભાઇ મોઢા સહિતના આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.