પોરબંદરમાં લઘુકથા લેખન સ્પર્ધા યોજાતા ૩૬ નવોદિત લેખકોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓના પારિતોષિક વિતરણની સાથે કવિ સંમેલન પણ યોજાયું હતું.
પોરબંદર માં કલરવ સાહિત્ય સંસ્થા દ્વારા આયોજિત લઘુ કથા લેખન સ્પર્ધામાં ૩૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું પારિતોષિક વિતરણ તથા કવિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો અને સાહિત્ય રસિકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા બે વિભાગમાં કરવામાં આવી હતી. ધોરણ ૧૧ થી કોલેજ સુધી તથા બીજો વિભાગ ઓપન વિભાગ હતો. લગભગ દરેક સ્પર્ધકોની લઘુકથા ખૂબ સુંદર અને અર્થપ્રેરક હતી.
ઉપરાંત કવિ સંમેલન યોજાતા કવિઓએ પોતાની સુંદર કવિતાઓની પ્રસ્તુતિ કરી હતી. જેમાં શુભમ સામાણી, જાડેજા ઉર્વશીબા, લાખણશી આગઠ, પોપટ ખુંટી, સ્નેહલ જોષી તથા મિહિર સંઘાડે પોતાની કવિતા આગવી શૈલીમાં પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરિષ્ઠ સાહિત્યકાર. ઇતિહાસવિદ્ શ્વેતકેશી નરોત્તમભાઈ પલાણે ખૂબ સુંદર માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. તેમના અધ્યક્ષ સ્થાને તેમના માર્ગદર્શનથી કાર્યક્રમ સફળ બનાવવા સૌ સાહિત્યકારોએ મહેનત કરી હતી. નરોત્તમભાઈ પલાણે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં નવોદિત સાહિત્યકારોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. સાહિત્ય યાત્રાને આવા સુંદર કાર્યક્રમ કરીને આગળ વધારવા પણ સાહિત્યકારોને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમની ભૂમિકામાં ગાયોનેક ડોક્ટર સુરેખાબેન શાહે કલરવ સાહિત્ય સંસ્થાનો અત્યાર સુધીનો ઇતિહાસ સંક્ષેપ્તમાં રજૂ કર્યો હતો. કાર્યક્રમના સફળ બનાવવા કલરવનાં પ્રમુખ બલરાજભાઈએ સુંદર આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આર્થિક સહયોગ પદુભાઈ રાયચૂરા, ડોક્ટર સુરેખાબેન શાહ તથા તથા ભરતભાઈ માખેચા તરફથી મળ્યો હતો.આ કાર્યક્રમનું સંચાલન તેમની આગવી શૈલીમાં પુષ્પાબેન જોષી કર્યું હતું.
વિજેતાઓ ના નામ
૩૬ સ્પર્ધકોમાંથી બંને વિભાગના પ્રથમ ત્રણ નંબરોમાં વિભાગ એકમાં પ્રથમ નંબર રિયા અતુલભાઇ રાઠોડ -માણસાઈ, બીજો નંબર અદિતિ દિલીપભાઈ દવે -પત્ર, ત્રીજો નંબર કેયુરી નાથાલાલ બોરખતરીયા-અધુરી સાંજ, ખુલ્લો વિભાગમાં પ્રથમ નંબર જય પંડ્યા -જટા બાપાની ફાઈલ, બીજો નંબર પ્રો. સુમિત કુમાર આચાર્ય -મારો વાંક શું?, ત્રીજો નંબર પ્રો. પારમીતા મહેતા -દિકરો, રૂપલ ભટ્ટ થાનકી રૂહાની -કબુતરનો માળો, વિજેતા બનતા પારિતોષિક અપાયા હતા.
કવિતાઓ ની એક ઝલક
ગઝલ કાલે રાતે શમણાં આવ્યાં ધાર્યા કરતા બમણાં આવ્યાં નાજુક નાજુક નમણાં આવ્યાં ઘરમાં એના પગલાં આવ્યાં એણે સ્મિત કર્યું અમથું ત્યાં, અહીં લોના ઢગલાં આવ્યાં વાદળાઓ…આવે પગપાળા, હોડી લઇને ઝરણાં આવ્યાં આંખોમાં આંસુની સાથે , સાચાબોલા હરણાં આવ્યાં ! એ પહેલા ક્યાં સુખ હતું કંઇ, દુઃખ છેં તો હમણાં આવ્યા તું આવી તો ગઝલ ગઝલમાં, શબ્દે કંકુવરણાં આવ્યાં
સ્નેહલ જોષી
દે રસ્તો દિલથી, ખસ નહીં તું ખસવા ખાતર, રહી જા કાયમ માટે, વસ નહીં તું વસવા ખાતર,
હૈયામાંથી ઉભરી આવે જે હોઠે એ જ સાચુ, અમથું અમથું જ, હસ નહીં તું હસવા ખાતર.
એમ તો ઉજળો થઈશ હું આંખ આંજે તેવો, સપાટી ઉપર એમ, ઘસ નહીં તું ઘસવા ખાતર.
તને મળી જરૂર જશે વાજબીમાં પુરેપુરૂં, કયાસ કર સરખો, કસ નહીં તું કસવા ખાતર.
હ્રદય વલોવાય દર્દથી તો જ કલમ ઉપાડજે, આમ કવિતાઓ રચ નહીં તું રચવા ખાતર. -પોપટ ખૂંટી
ગઝલ
એ દુઆની મજાલ પૂછે છે.
તું દવાની કમાલ પૂછે છે?
જે હતા દુશ્મનો કદી કટ્ટર
એ ખબર આજકાલ પૂછે છે.
સાવ તું પણ ગજબ કરે છે હો. દુશ્મની બાદ ચાલ પૂછે છે.
તું જ તો છે નસીબ મારું ને તું મને હાલચાલ પૂછે છે?
કર્મથી શું લખીશ મારામાં ?” ભાગ્યની એ ટપાલ પૂછે છે. ‘ના’ જ મળશે જવાબમાં એના તું મને જે સવાલ પૂછે છે.
કેમ તરસ્યો રહી શકે છે તું? એમમાનું વહાલ પૂછે છે
-શુભમ સામાણી -‘શુભ’
શબ્દને પણ આજ શરમાવી શકે, કહેવાય નહીં મૌન એનું શેર સંભળાવી શકે,
કહેવાય નહીં કલ્પનાઓ કોક’દિ ફાવી શકે, કહેવાય નહીં આજ એ સાચુકલી આવી શકે,
કહેવાય નહીં કયાંક એ આવી ચડે સીધીને સાદી વાત પર છે ગઝલ, ક્યારેક હંફાવી શકે, કહેવાય નહીં
- લાખણ’શી આગઠ
જીવન ઇચ્છા તણું ઘર છે નથી કંઈ ખોખલાં મૃગજળ;
તમન્ના ઓગળે પાણી મહીં ને થાય છે ખળખળ.
હ્રદય પર મોહની આબોહવા છે કેટલી ચંચળ
ખબર છે એ નથી મારું છતાં પણ કેટલું વિશાળ .
હું જે કંઈ છું, ગઝલ તારા જ આશીર્વાદથી છું,
પણ, ઘણું છૂટી ગયું એમાંય તારો વાંક છે સાંભળ..
- લાખણ’શી આગઠ
વિચારોમાં મહેકવાનું મને મન થાય છે કાયમ,
ઘણું અંગતનું કહેવાનું મને મન થાય છે કાયમ
શબ્દને જોડી જોડીને ગઝલ લખવા મથું છું હું. રદીફમાં સ્થાયી થવાનું મને થાય છે કાયમ.
સફળ દુનિયા પ્રભુ તારી જ છે અને તારી જ રહેવાની ઘણું તારુંય લેવાનું મને મન થાય છે કાયમ. પવન, વરસાદ, તડકો, ઓસ, વાદળ, ચંદ્ર ને તારા, એ કપડાં જેમ પહેરવાનું મને મન થાય છે કાયમ… અનેકાનેક સંઘર્ષોની પાછળ છે વિજય જાણી, સમયનો તાપ સહેવાનું મને મન થાય છે કાયમ. જવું છે દૂર આ માળો ત્યજીને ‘ઉર્વશી’ કાલે, ખુલા નભમાં ચહેકવાનું મને મન થાય છે કાયમ… – ઉર્વશીબા જાડેજા
