વડોદરા જિલ્લાથી ટ્રેન મારફત પોરબંદર આવી પહોચેલા બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-પોરબંદર ખાતે કાળજી, રક્ષણ અને આશ્રય આપી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, અને બાળ કલ્યાણ સમિતિના સહિયારા પ્રયત્નોથી તથા પોલીસની મદદથી બાળકનુ વડોદરા સ્થિત સંસ્થા સાથે મીલન કરાયુ છે.
પરિવારથી અલગ પડેલા બાળકોને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-પોરબંદર ખાતે કાળજી અને રક્ષણ આપી જરૂરિયાત ધરાવતા બાળકોને આશ્રય આપવામાં આવે છે. ત્યારે ગત તા.૨૦ માર્ચના રોજ વડોદરા જિલ્લા ખાતેની ડોન બોસ્કો સ્નેહાલય સંસ્થા ખાતેથી એક બાળક રેલ્વે સ્ટેશન પોરબંદર ખાતે આવી પહોંચ્યું હતું. ત્યારબાદ રેલ્વે પોલીસ ફોર્સ પોરબંદર દ્વારા અને બાળ કલ્યાણ સમિતિના આદેશ અન્વયે બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થામા આશ્રય અપાયો હતો. ત્યારબાદ સંસ્થાના કાઉન્સેલર રામભાઇ ગોઢાણીયા દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કરી તપાસ હાથ ધરી હતી.
જેમાં ક્યાં જિલ્લાનું વતની છે, તથા બાળક ક્યાં કારણોથી પોરબંદર ખાતે પહોંચી આવેલ તે વિગતો જાણવામાં આવી હતી. જે અન્વયે બાળક વડોદરા ખાતેની ડોન બોસ્કો સ્નેહાલય સંસ્થાનું છે તે જાણવા મળતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, અને બાળ કલ્યાણ સમિતિના સહિયારા પ્રયત્નોથી અને યોગેશભાઈ નાનેરા લીગલ ઓફિસર સાથે સંકલન કરી પોલીસ વિભાગની મદદ મેળવી ત્યારબાદ ડોન બોસ્કો સ્નેહાલય સંસ્થાનો સંપર્ક કરાયો હતો. ત્યાર બાદ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની સંસ્થામાં આશ્રય લઈ રહેલા બાળકની વડોદરા ડોન બોસ્કો સ્નેહાલય સંસ્થા ખાતે પુનઃસ્થાપન કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી અને બાળકને પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતુ.
