પોરબંદરના સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરના ૧૧૫ વર્ષ જુના સ્વામીનારાયણના મુખ્ય મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ ઉપસ્થિત રહી પ્રેરણા આપી હતી.
પોરબંદરના શ્રી સ્વામિનારાયણ નારાયણ મુખ્ય મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના એસ. ટી.રોડ પર આવેલ ૧૧૫ વર્ષ પ્રાચીન શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં સમગ્ર હરિભક્તોના પૂર્ણ સહયોગ થી ભવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન થયું હતું. પ્રતિવર્ષની જેમ પાવન ધનુર્માસ નિમિત્તે મંદિરમાં પ્રત્યેક રવિવારે વહેલી સવારે વિશેષ ધૂન કિર્તન, સંકીર્તન, પ્રભાતિયા ગાન તથા સત્સંગનું આયોજન થાય છે. અશ્વિનભાઇ મકવાણા, મિહિરભાઈ રાઠોડ, સતિષભાઈ મકવાણા, વગેરે હરિભક્તો સંગીતના સથવારે ધૂન કિર્તનની રમઝટ બોલાવે છે.
સંપ્રદાયની આગવી વિશિષ્ટતા અને પ્રણાલી મૂજબ ભવ્ય શાકોત્સવનું આયોજન જેતપુર ધામ ગાદી સ્થાનના પ.પૂ. ગુરુ વર્ય શ્રી નીલકંઠ ચરણદાસજીની પ્રેરણા અને આશીર્વાથી મંદિરમાં ભવ્ય શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેતપુર ધામથી પધારેલ સંત પ. પૂ. વિવેક સાગર દાસ, ૫. પૂ. સંત શ્રી નિર્ગુણદાસજીએ શાકોત્સવનો મહિમા અને સંપ્રદાયના ઉત્સવ સમૈયા, મંદિર, અને સંતોના વિચરણની કથા વડે શ્રીજી મહારાજની આજ્ઞામાં રહી સુખી થવાના ઉપાયો બતાવ્યા હતાં.
સત્સંગ સભામાં શ્રી સ્વામિનારાયણ મંદિર રાજકોટ થી પધારેલ પ. પૂ.કોઠારી સંત શ્રી રાધારમણ સ્વામીએ પોતાની લાક્ષણિક મરમાળી શૈલીમાં પ્રભુ ભજવાની રીત, આદર્શ માનવ બની સૌને સુખી કરવાની પદ્ધતિ બતાવી સુખિયા થવાનો માર્ગ બતાવી રસ તરબોળ કર્યાં હતાં.અગ્રણી વડીલ હરિભક્તોએ પુષ્પહાર વડે તમામ સંતો મહંતોનું સ્વાગત કરી આશીર્વાદ લીધા હતા.રાણાવાવ થી પધારેલ શ્રી ભગવાન ભગત અને મંદિરના પૂજારી હરજીભાઇ મહેતાનું યથોચિત સન્માન હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર ધર્મોત્સવમાં સેવાદાન આપનાર યજમાન પરિવાર મયંકભાઇ કામદાર, ચેતન સિંહ પરમાર, ડો. પરબતભાઈ ઓડેદરા, રઘુવીરસિંહ જાડેજા, પ્રતીક્ષાબેન મહેતા, દિલીપભાઈ ધોળકિયા, પ્રકાશભાઈ રાઠોડ, પરેશભાઈ દવે, નારણજીભાઇ, રમેશભાઈ જોષી, હેતલબેન વાઘેલા, વિક્રમબા જાડેજા, હર્ષાબેન ધોળકિયા, યોગેશભાઈ મહેતા, મહેશભાઈ વેદ, તથા દિનેશભાઇ દવે વગેરેનું વિશિષ્ટ સન્માન સંતો મહંતો દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સત્સંગ સભાનું સંચાલન કનુભાઈ ધોળકિયાએ કર્યું હતું. સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે રૂષિકભાઇ દવે, વનરાજસિંહ જાડેજા, ઘનશ્યામ મહેતા, રમેશભાઈ મહેતા, રાજેન્દ્રભાઇ સોલંકી, રાજુભાઈ ભરડવા તથા પ્રકાશભાઈ રાઠોડે જહેમત ઉઠાવી હતી.









