પોરબંદર ના સાંદીપની ખાતે ગુરુપુર્ણિમા નિમિતે ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત સહીત અનેક કાર્યક્રમ યોજાશે
પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક-માધ્યમિક શાળામાં શિક્ષણમાં નવાચારથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે.જેમાં આ વર્ષે પણ પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં તા.૦૧-૦૭-૨૦૨૩ થી ૦૨-૦૭-૨૦૨૩ બંને દિવસોમાં અનુક્રમે શૈક્ષણિક સંવાદ તેમજ ગુરુ ગૌરવ અવોર્ડ સમારોહ યોજાશે તેમજ ૦૩-૦૭-૨૩ના રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાશે.
શૈક્ષણિક સંવાદ અને ગુરુગૌરવ એવોર્ડ સમારોહ
જેમાં તા. ૦૨-૦૭-૨૩, રવિવારના રોજ સવારના ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં મુખ્ય પાંચ એવોર્ડી મહાનુભાવ પોતાના જીવનના શૈક્ષણિકક્ષેત્રમાં કરેલા કાર્યોના અનુભવ વ્યક્ત કરશે. આ સાથે મુખ્ય વક્તા દ્વારા પણ પ્રસંગોચિત ઉદ્બોધન થશે. બપોરપછીના સત્રમાં 3:૩૦ થી ૬:૩૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સંપન્ન થશે.
૧, લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવાર્ડ : જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણના ક્ષેત્રમાં વિતાવીને સમાજને ઉત્તમોત્તમ યોગદાન આપ્યું એવા મહાનુભાવ
૨, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ : એવા એક શિક્ષક કે જેઓએ શાળામાં શ્રેષ્ઠતમ કાર્ય કરીને પોતાની શાળાના વિકાસમાં શૈક્ષણિક પ્રવૃતિઓ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
૩. ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ ; એક એવું વિદ્યાલય કે શિક્ષણના ક્ષેત્રે ખુબજ શિષ્ટ-વિશિષ્ટ કાર્ય કરેલુ હોય.
આ રીતે આ વર્ષે શિક્ષણક્ષેત્રે અનુપમ કાર્યકરનારા પાંચ મહાનુભાવોને વિશેષ એવોર્ડથી તેમજ ૩૩ જેટલા શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવો દ્વારા ભાવપૂજન કરવામાં આવશે. મુખ્ય પાંચ એવોર્ડીઓમાં આ વર્ષે શ્રી કોકિલાબેન વ્યાસ-ધરમપુર, શ્રી ચંદ્રકાન્તભાઈ ભોગાયતા-ભાવનગર અને શ્રી ઈશ્વરભાઈ પરમાર-દ્વારકા આ ત્રણ મહાનુભાવોને લાઈફટાઇમ એચીવમેન્ટ અવોર્ડથી અને આ સિવાય શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી ડૉ.ચંદ્રકાન્તભાઈ વ્યાસ-સાયલા અને ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી સંસ્કારતીર્થ આજોલનું ભાવપૂજન કરવામાં આવશે.
ગુરુપૂર્ણિમા ઉત્સવ
તા. ૦૩-૦૭-૨૩, સોમવારે ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાના શુભ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિમંદિરમાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થશે. જેમાં શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર પૂજાવિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ સંપન્ન થશે. ત્યાર બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા વિધિવત વ્યાસપૂજન કરવામાં આવશે અને એ સાથે પૂજ્ય ભાઈશ્રી અને ઉપસ્થિત ભકતો દ્વારા ગુરુપાદુકાપંચકનો પાઠ સંપન્ન થશે. ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગુરુસદુપદેશ પ્રવચન આપવામાં આવશે અને પ્રવચન બાદ ગુરુપૂર્ણિમાના મુખ્ય યજમાન, દેશ-વિદેશથી પધારેલા ભાવિકો અને ઋષિકુમારો દ્વારા ગુરુપૂજન સંપન્ન થશે.
ગુરુપૂર્ણિમા મહોત્સવના ઉપલક્ષ્યમાં યોજાનારા શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા માટે આપ સૌ ભાવિકજનોને સાંદીપનિ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ છે.