નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય સ્વ.પૂ.શ્રી દેવજીભાઇ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 5 કોમ્પ્યુટર સેટ વસાવ્યા છે.
શાળામાં રવિવારે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને બોર્ડ પરીક્ષાઓના મહેનતાણાંની રકમ સ્વૈચ્છીક રીતે શિક્ષકો એકત્ર કરીને આ રકમ પોતાની શાળાના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બૂટ અને અભ્યાસ ઉપયોગી વસ્તુઓ આપીને સહાય આપે છે. મોટાભાગના શિક્ષકો પોતે દરેક વિદ્યાર્થીઓને મહત્વ આપીને પોતાની શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે સેવા અને સમર્પણની લાગણી ધરાવે છે.વિશેષમાં, હાલના વર્તમાન સમયમાં કોમ્પ્યુટર વિષયનો રોજગારી ક્ષેત્રે વિશેષ ઉપયોગ છે. કોમ્પ્યુટર શિક્ષણને વધુ મહત્વ આપવાના હેતુ થી શાળાના શિક્ષકોએ એકત્ર કરેલ ફંડમાંથી 5 કોમ્પ્યુટર સેટ્સ વસાવવામાં આવ્યા છે.
ગત વર્ષે પણ શિક્ષકોએ એકત્ર કરેલા ફંડમાંથી 6 કોમ્પ્યુટર સેટ્સ વસાવવામાં આવ્યા છે. દાતાના સહયોગથી કાર્યરત નવયુગ વિદ્યાલયની કોમ્પ્યુટર લેબ સેન્ટ્રલી એરકન્ડીશન્ડ છે અને આ લેબમાં વધુને વધુ કોમ્પ્યુટર સેટ્સ દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે કોમ્પ્યુટર વિષયનું શિક્ષણ મળી રહે તે માટે શાળાના શિક્ષકો સાથે મળીને આયોજન કરી રહ્યા છે. આચાર્ય તુષારભાઇ પુરોહિતના માર્ગદર્શન અને પોતાની શાળાના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સહાય અને તેઓના વિકાસ અર્થે કાર્યરત આ સેવાકીય અભિયાનને નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઇ ઓડેદરા, મંત્રી હરીશભાઇ મહેતા અને અન્ય ટ્રસ્ટીઓએ બીરદાવતાં જણાવ્યું છે કે, શાળાના શિક્ષકોનો પોતાના વિદ્યાર્થીઓ અને શાળા માટે પ્રેમ અદભૂત અને ખરા અર્થમાં પ્રેરણાદાયી છે.
