પોરબંદર માં વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર સ્કુલ રીક્ષા ચાલક ને કોર્ટે આજીવન સખ્ત કેદ ની સજા અને રૂ ૪૦ હજાર નો દંડ ફટકાર્યો છે.
પોરબંદરની ગુજરાતી માધ્યમની શાળામાં સાતમા ધોરણમાં એક વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી ત્યારે ભાવેશ ભીખુ વાઘેલા તેને પોતાની રીક્ષામાં ઘરેથી સ્કૂલે લેવા-મુકવાની વરધીમાં જતો હતો અને શાળામાં વેકેશન પડયુ તે દરમિયાન પણ આ ભાવેશ વાઘેલા તેને ફોન કરીને ‘હું તને પસંદ કરું છું, હું તારી સાથે ફ્રેન્ડશીપ કરવા માંગુ છું. તું મારી સાથે વાત નહી કરે તો હું મરી જઇશ’ તેમ કહી સગીરાને ડરાવી અવારનવાર ફોનમાં વાત કરી સગીરવયની છે તેવું જાણવા છતા પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવી હતી.
ત્યારબાદ આ વિદ્યાર્થીની આઠમા ધોરણમાં આવી હતી તે દરમ્યાન તા. ૧-૬-૨૦૨૩ થી તા. ૨૨-૮-૨૦૨૩ સુધી સ્કૂલના સમયે આરોપી ભાવેશ ભીખુ વાઘેલા તરૂણીને સ્કૂલના બદલે શાળાની બહારથી જ છ થી સાત વખત પોતાની રીક્ષામાં બેસાડીને બગવદર ગામ પાસે આવેલ સૂર્ય રન્નાદે મંદિર પાસે લઇ ગયો હતો અને ભોગ બનનાર સાથે પ્રેમભરી વાતો કરી અને લગ્નની વાતો કરતો હતો. એટલું જ નહી પરંતુ રીક્ષાના બંને સાઇડના પડદા બંધ કરી ભોગ બનનારના શરીર ના વિવિધ ભાગે હાથ ફેરવી ભોગ બનનારને સેકસ કરવાનું કહેતા ભોગ બનનારે ઉંમર નાની હોય શરીર સંબંધની ચોખ્ખી ના પાડવા છતાં પણ ભોગ બનનાર સાથે બે વખત બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી ગુન્હો કરતા આ કામના આરોપી વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ તથા પોકસો એકટની કલમ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો અને પોલીસે પોકસો એકટની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૪૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૧૨ જેટલા સાહેદો તપાસવામાં આવેલા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી ભાવેશ ભીખુભાઈ બારૈયાને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે. એ. પઠાણ દ્વારા આજીવન કેદની સજા એટલે કે આરોપીનું કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા તથા રૂા. ૪૦,૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.