પોરબંદર જિલ્લામાં આગામી તારીખ ૧૨,૧૩ અને જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાશે. સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારુ રૂપે થાય તે માટે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. મિટિંગમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, કન્યા કેળવણીને વધુ ઉતેજન મળે, ડ્રોપ આઉટ રેટ ઘટે, વાલીઓમાં પણ ઉત્સાહ રહે અને બાળકને શાળામાં પ્રવેશ આપતી વખતે કાર્યક્રમને એક ઉત્સવ તરીકે લેવામાં આવે જેથી બાળકો પણ શાળામાં આવતી વખતે હસતા રહે અને ખુશ રહે. આ સાથે ત્રણ વર્ષ પૂરા કરનાર બાળકોને આંગણવાડીમાં પણ પ્રવેશ આપવામાં આવશે.
જિલ્લાની તમામ કુલ ૩૦૯ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં ૧ જૂન ૨૦૨૩ ના રોજ ૫ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને બાળ વાટિકામાં પ્રવેશ અપાશે તથા ૬ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી કે. બી.ઠક્કર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઇ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર એમ. કે. જોશી, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંદિપ સોનીએ કર્યું હતું.

