Monday, July 1, 2024

|| तुम रक्षक काहू को डरना ||

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪:પોરબંદર જીલ્લા માં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ વધુ પ્રવેશ મેળવ્યો

પોરબંદર જીલ્લા માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન વિદ્યાર્થીઓ ની સંખ્યા ની સરખામણી એ વિદ્યાર્થીનીઓ એ વધુ પ્રવેશ લેતા કન્યા કેળવણી મહોત્સવ ખરા અર્થ માં સાર્થક બન્યો છે.

પોરબંદર જિલ્લામાં આજે તા. ૨૬ થી ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. પ્રવેશોત્સવમાં આઈસીડીએસના કમિશનર ડો. રણજીત કુમાર સિંહ અને જિલ્લા કલેકટર સહિત પદાધિકારીઓ જોડાયા છે. જિલ્લાની ૩૦૫ પ્રાથમિક શાળા અને ૬૩ માધ્યમિક શાળામાં ૧૧૮૧૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા જઇ રહ્યા છે. બાલવાટિકામાં ૨૮૫૩, પહેલા ધોરણમાં ૪૩૩૪ નવમા ધોરણમાં ૨૭૨૩ અને ૧૧ માં ધોરણમાં ૧૯૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૪ અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કાર્યક્રમ આજે તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ સુધી યોજનાર છે. ગુજરાત સરકાર દ્વારા શાળા અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૧૦૦% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં પ્રવેશપાત્ર બાળકોને એક સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ ઉત્સવાભિમુખ સંસ્કૃતિ છે. માનવ જીવનમાં અનેક પ્રસંગોની ઉજવણીએ આપણી પરંપરા છે. બાળકની નામા કરણ વિધિ તમામ માટે ઉત્સવ છે. ઘર અને શેરી છોડીને પહેલીવાર શાળામાં આવતા બાળકોનો શાળા પ્રવેશોત્સવ આજ સુધી કુટુંબ ઉજવતો હતો. આ ઉજવણી બાળકોને નવા કપડા, કપાળમાં કુમકુમ તિલક, ચોખા, હાથમાં શ્રીફળ અને સાકરનો પડો, બાળકોને ચોકલેટ, મીઠાઈ પતાસાની વહેચણી આ દ્રશ્ય અનેક ગામોમાં જોવા મળતા અને મળે છે. પરંતુ પ્રવેશોત્સવ દ્વારા શાળા પરિવાર અને સમાજ શાળામાં આવતા દરેક પ્રવેશાર્થી બાળકનું સ્વાગત કરી આવકાર આપે છે. શાળા પ્રવેશોત્સવ એ સમગ્ર ગામનો ઉત્સવ બની રહે તે આવશ્યક છે.

રાજ્ય સરકાર આ માટે તમામ સ્તરે સઘન આયોજન અને અમલીકરણ માટે પ્રયત્ન કરી રહી છે. આ વર્ષે પોરબંદરની તમામ બાળવાટિકાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં કુમારની સરખામણીમાં કન્યાઓની સંખ્યા ૯૪૬ વધુ હોવાથી ખરા અર્થમાં કન્યા કેળવણી સાર્થક બની રહી છે. પોરબંદર જિલ્લાની ૩૦૫ પ્રાથમિક શાળા અને ૬૩ માધ્યમિક શાળામાં ૧૧૮૧૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. બાલવાટિકામાં ૨૮૫૩, પહેલા ધોરણમાં ૪૩૩૪ નવમા ધોરણમાં ૨૭૨૩ અને ૧૧ માં ધોરણમાં ૧૯૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. બાલવાટિકામાં કુલ ૨૮૫૪ માંથી ૧૩૭૮ કુમાર અને ૧૪૭૫ કન્યા, પ્રથમ ધોરણમાં કુલ ૪૩૩૪ માંથી ૨૧૧૮ કુમાર અને ૨૨૧૬ કન્યા તથા ધોરણ નવમા કુલ ૨૭૨૩ માંથી ૧૧૬૭ કુમાર અને ૧૫૫૬ કન્યા તેમજ ધોરણ ૧૧ માં કુલ ૧૯૦૦ માંથી ૭૬૯ કુમાર અને ૧૧૩૧ કન્યા ઓની સંખ્યા નોંધાયેલ છે. આમ કુલ ૧૧૮૧૦ માંથી કુમાર ૫૪૩૨ અને કન્યા ૬૩૭૮ છે, ત્યારે પોરબંદર જિલ્લામાં ૯૪૬ કન્યાઓની સંખ્યા વધુ હોવાથી કન્યા કેળવણી મહોત્સવ ખરા અર્થમાં સાર્થક બન્યો છે.

પોરબંદરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪ અંતર્ગત પી.એમ. બોખીરા પે.સે. શાળા ખાતે સચિવ રણજીથ કુમારે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. પોરબંદર જિલ્લામાં તા. ૨૬ થી ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પી.એમ. બોખીરા પે.સે. શાળા ખાતે આઈસીડીએસના કમિશનર ડો. રણજીથ કુમાર સિંહ દ્વારા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા સચિવ નું પુષ્પવર્ષા તેમજ ઢોલ નગારાથી સ્વાગત કરાયું હતું. અને શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સચિવ ડો. રણજીત કુમાર સિંહ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરી બાળકોને રમકડા, કીટ અને સાહિત્ય સેટ વિતરણ કરાયો હતો. શાળામાં બાળકોએ પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડતું વક્તવ્ય રજૂ કર્યું હતું, અને વિવિધ કાર્યક્રમો પણ પ્રસતૂત કર્યા હતા. તેમજ બોખીરાની કન્યા શાળા તથા જાવરની શાળામાં સચિવએ બાળકોને તિલક કરી, મો મીઠા કરાવી કીટ વિતરણથી પ્રવેશ અપાવ્યો હતો.

આ પ્રસંગે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી ડ્રોપ આઉટનો રેસીયો ઘટિયો હોવાનું જણાવી સચિવ ડો. રણજીત કુમાર સિંહે કુમારો થી વધુ સંખ્યા કન્યાઓને હોવાનો આનંદ વ્યક્ત કરી ખરા અર્થમાં કન્યા કેળવણી સાર્થક થઈ હોવાનું જણાવ્યું હતું. ધોરણવાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ અને એન. એમ. એમ. એસમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ અને શાળામાં સેવા આપતા દાતાઓને સન્માનિત કરાયા હતા. બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કન્યાઓને શૈક્ષિણક કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બેટી બચાઓ અને બેટી પઢાઓના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના પટાગણમાં સચિવ ડો. રણજીત કુમાર સિંહ સહિત પાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન બી. ટાઢાણી, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસર ભાવનાબેન જીડિયા તેમજ શાળાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા તુંબડા, કુછડી અને શ્રીનગરની શાળાના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કલેકટર એ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. કલેકટરએ શાળા અને ગામને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓના વાલીગણ સાથે ચર્ચા કરી હતી.

સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પોરબંદર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ૨૧મા તબક્કાનો હર્ષભેર શુભારંભ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર કે.ડી. લાખણી દ્વારા તુંબડા, કુછડી અને શ્રીનગર ગામ ખાતે શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાની બાળા ઓએ કલેક્ટરનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો. તેમજ શાળામાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓને વિવિધ દ્રષ્ટાંતો આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

તેઓએ કહ્યું કે શિક્ષણથી આપણું જીવન અને લોકોની જોવાની દ્રષ્ટિ બદલે છે, જેથી વાલીઓને પણ તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવા અપીલ કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટરશ્રીએ ત્રણ ગામ ખાતે વિદ્યાર્થીઓના વાલી સાથે કાર્યક્રમના અંતે બેઠક યોજી શાળામાં ઘટતી સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓના વાલીઓને માત્ર શાળામાં જ નહીં પરંતુ ગામની અંદર પણ ઘટતી સગવડો મુદ્દે ચર્ચા કરી હતી. ગ્રામજનોએ રોડ રસ્તા પાણી વીજળી અને રમતગમતના મેદાન ઉપરાંત શ્રીનગર ગામ ખાતે આરોગ્ય તથા પંચાયત ભવન મુદ્દે રજૂઆત બાદ સમસ્યાઓનું નિરાકરણ કરવાની જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી સંદીપ જાદવ, શાળાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે