પોરબંદર જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાનો રોડમેપ સાંસદની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે તૈયાર થયો હતો જેમાં વિસાવાડા નજીક દેશના સૌથી લાંબા ૧૨ કિ.મી.ના બીચને વિકસાવવા ઉપરાંત અનેકવિધ આયોજન અંગે ચર્ચા કરાઈ હતી.
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે પોરબંદર લોકસભાના વિકાસલક્ષી કામો અને વિવિધ પ્રશ્નોને લઈને બેઠક યોજાઈ હતી.જેમાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર બળવંતસિંહ રાજપૂત, મંત્રી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, જળસંપત્તિ, મંત્રી મુકેશભાઈ પટેલ,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મુળુભાઈ એ બરડા અભયારણ્યમાં વસતા માલધારી ભાઈઓને રી-લોકેટ કરવા અંગેની યોજના બનાવવા, ફોરેસ્ટ ડિવિઝન હેઠળની ઘટતી સુવિધાઓ પૂરી પાડવા, કુતિયાણા વિસ્તાર હાલ જૂનાગઢમાં સમાવિષ્ઠ છે જેને પોરબંદરમાં સમાવવા થયેલ હુકમનો ઝડપથી અમલ કરાવવા અંગે સૂચન કર્યા હતા. તેમજ પ્રવાસન વિભાગના પ્રશ્નોમાં મૂળ દ્વારકા બીચ વિકસાવવાના કામને વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં સમાવેશ કર્યો છે, મૂળ દ્વારકા-હર્ષદ પ્રવાસન કોરિડોરના ભાગરૂપે ૧૨ કી.મી.ના દેશના સૌથી લાંબાબીચ તરીકે વિકસાવવા અંગેની કાર્યવાહી તાકીદે હાથ ધરવા તેમજ હર્ષદમાતાજી મંદિરના વિકાસ કામ હાથ ધરવા તથા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળને વિકસાવવા મહાત્મા ગાંધી જન્મસ્થળ કોરિડોર પ્રોજેકટને વર્ષ ૨૦૨૫-૨૬માં સમાવેશ કરવા તથા તેના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના કન્સલ્ટન્ટની નિમણૂક કરવા અંગેના પ્રશ્નો તથા સાંસ્કૃતિક વિભાગ હેઠળ જૂના સેક્રેટરીએટ બિલડીંગમાં રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવવું અને જિલ્લામાં લાઇબ્રેરી માટે નવું જિલ્લા કક્ષાનું ભવન બાંધવું, તેમજ કુતિયાણા અને રાણાવાવ ખાતે તાલુકા કક્ષાનું લાઇબ્રેરીભવન બાંધવું. સહિતના વિકાસ કામો અંગે વિગતવાર સૂચન કરવામાં આવ્યા હતા.
બેઠકમાં મંત્રી બલવંતસિંહ રાજપૂત નાગરિક ઉડ્ડયન વિભાગ હેઠળ પોરબંદરના એરપોર્ટના વિકાસ કામ બાબત તેમજ પોરબંદર-અમદાવાદ-પોરબંદર રૂટ પર ઇન્સ્ટ્રાસ્ટેટ યોજના હેઠળ હવાઈ સેવા શરૂ કરવા,પોરબંદર-મુંબઈ-પોરબંદર, તથા પોરબંદર-દિલ્હી-પોરબંદર હવાઈ સેવા સ્કીમ હેઠળ શરૂ કરવાની દરખાસ્ત કરવી તથા શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ પોરબંદર આઈ.ટી.આઈ. ખાતે મર્ચન્ટ નેવી ક્રૂ અને અધિકારીઓને ટ્રેનિંગ માટે નવી મર્ચન્ટને વી.આઈ.ટી.આઈ. શરૂ કરવી. તથા ડીપી- સી ફિશિંગના ક્રૂને તાલીમ આપવા માટે આઈ.ટી.આઈ.માં નવો કોર્ષ શરૂ કરવા તેમજ પોરબંદર ખાતેના કામદાર કલ્યાણ કેન્દ્રના જૂના મકાનો પૈકી એકને રીપેરીંગ કરવા તેમજ બીજા કેન્દ્રના મકાનની જગ્યાએ નવું મકાનના નિર્માણના કામકરવા સહિતના વિકાસના મુદ્દાઓ અંગે સૂચનાઓ કરવામાં આવ્યા હતા.
બેઠકમાં રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલ જળસંપત્તિવિભાગ હેઠળ પોરબંદર, જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ટર્ન -કી પ્રોજેક્ટ બનાવીને કામો શરૂ કરવા, સૌની યોજનાની પાઇપ લાઈનના પાણીથી તળાવો ભરવાની દરખાસ્તો મંજૂર કરવી, પાણી પુરવઠા બોર્ડને સોંપેલ ફોદરા અને ખંભાળા ડેમના મજબૂતીકરણ કરવાના કામને મંજૂરી આપવા વિકાસ કામો અંગે સૂચન કર્યા હતા.બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.