પોરબંદર માં માનસિક અસ્થિર વૃધ્ધા દરિયામાં ઝંપલાવી આપઘાત કરે તે પહેલા જ એક યુવાન અને ૧૮૧ની ટીમે બચાવીને કાઉન્સેલીંગ કર્યુ હતુ.
પોરબંદરના લકડી બંદર વિસ્તારથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યુ કે એક અજાણી મહિલા અહિંયા સવારના નિઃસહાય બેઠેલા છે તો તમો એમની મદદ માટે આવો. આથી પોરબંદર અભયમ ટીમ મહિલાની મદદ માટે તાત્કાલીક સ્થળ પર પહોંચી જોયું તો મહિલા દરિયાના કાંઠા પર બેઠેલા હતા. દરિયામાં કુદકો મારવાની કોશિશ કરતા હતા તેથી જાગૃત નાગરીક તથા અભયમ ટીમ દ્વારા મહિલાને દરીયામાં કુદકો મારતા રોકી અને સાંત્વના આપી હતી.
તેમનું નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા પરંતુ તેઓને તેમનુ નામ યાદ ના હતુ. તેમણે જણાવેલ કે હું દ્વારકા થી કાલે બસમાં બેસી અહિંયા આવી છું. મારું ઘર દ્વારકા છે. તેમને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ના હોવાથી તેમને પ્રોત્સાહન આપ્યુ, તેમની સમસ્યા જાણતા તેમણે જણાવેલ કે મને ઘણા વર્ષોંથી માનસિક બીમારી છે. વૃધ્ધા પોતાનુ ગળુ વારંવાર દબાવવાની કોશિશ કરતા હોય જેથી વૃધ્ધાને આત્મહત્યા ના વિચારમાંથી બહાર લાવ્યા હતા.
તેમના કુશળ કાઉન્સેલિંગ બાદ વૃધ્ધાએ તેમના પતિનું નામ જણાવેલને તેઓ જયાં કામ કરતા હતા તેમનું સરનામુ બતાવેલ તેમને બતાવેલ સરનામુ પોરબંદર સિટીમાં જ આવેલ હોવાથી ત્યાં પુછપરછ કરતા વૃધ્ધાના પતિ મળી આવતા તેમની સાથે ચર્ચા કરતા તેમને જણાવેલ કે વૃધ્ધાને ઘણા વર્ષોંથી માનસિક બીમારી છે તેમની દવા પણ ચાલુ છે.અભયમ ટીમ દ્વારા વૃધ્ધાને સુરક્ષીત તેમના પતિને સોપી સારસંભાળ કરવા સમજાવ્યા હતા.