રાણા કંડોરણા ગામે ૨૦૦૭ ની સાલમાં તલાટી-કમ-મંત્રી દ્વારા રૂ ૬૦૯૦ ની ઉચાપત કરાઈ હતી જે મામલે રાણાવાવ કોર્ટે ૨ વર્ષ ની સજા ફટકારી છે.
રાણાવાવ ના રાણા કંડોરણા ગામે ૨૦૦૭ માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મનસુખલાલ હીરજીભાઈ માણાવદરીયા એ તા.૧/૧/૨૦૦૭ થી તા.રર/૬/૨૦૦૭ દરમ્યાન ખાતેદાર ખેડુતોના નાણાં તથા ઉપકરની રકમ વસુલ કરી કાયદેસરની સરકારી રેકર્ડની રસીદો પોતાના સ્વક્ષરોમાં પહોંચો લખી સહી કરી હતી. પરંતુ તે વસુલાતના કુલ નાણાં રૂા.૬૦૯૦ સરકારમાં જમા કરાવ્યા ન હતા. અને પોતાના અંગત ઉપયોગમાં લઈ સરકારી કર્મચારી તરીકે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી નાણાંની ઉચાપત કરી હતી.
તે અંગેની પ્રાથમિક તપાસના અંતે મનસુખલાલે ઉપકર વસુલાતના નાણા સરકારમાં જમા ન કરાવ્યા હોવાનું અને પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધા હોવાનું સામે આવતા તેની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સર્કલ ઈન્સ્પેકટર હમીરભાઈ નારણભાઈ ચાવડા દવારા તાલુકા વિકાસ અધિકારીની સુચના થી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા અન્ય સાહેદોના પુરાવાના આધારે તથા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર જયેશ એલ.ઓડેદરાની દલીલનાં આધારે આરોપી મનસુખલાલ માણાવદરીયા ને બે વર્ષની સાદી કેદની સજા અને રૂા.૫૦૦ નો દંડ ફરમાવતો ચુકાદો જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ દ્વારા આપવામાં આવ્યો છે.