પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રના લોકહિતચિંતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ ઉપક્રમમાં આ વર્ષે શ્રાવણ કૃષ્ણ એકમ, તા.૩૧-૦૮-૨૩, ગુરુવારના રોજ પોરબંદર, ગુજરાત, તથા દેશના અનેક શહેરોમાં અને વિશ્વના કેટલાય દેશોમાં અનેક આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય પ્રકલ્પો દ્વારા પૂજ્ય ભાઇશ્રીનો ૬૬મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે.
શ્રીહરિ મંદિરમાં વર્ધાપન પૂજાવિધિ
આ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે વિધિવિધાન સાથે વર્ધાપન પૂજન કરવામાં આવશે તેમજ શ્રાવણ માસ નિમિતે રુદ્રાભિષેક અને મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે.
૬૬ દી૫ પ્રાગટ્ય એવં મંત્રાત્મક આશીર્વાદ
પૂજ્ય ભાઈશ્રીના પાવન સાન્નિધ્યમાં સવારે ૧૦:૩૦ કલાકે શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના હસ્તે ૬૬ દીપપ્રજ્વલ્લન કરવામાં આવશે અને મંત્રાશીર્વાદ પાઠવવામાં આવશે.
સેવાકીય પ્રવૃત્તિઓ
આ વિશેષ દિવસે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી દેશના શહીદવીરના પરિવારજનોને સાંદીપનિ સંસ્થા દ્વારા રાશનકીટ અર્પણ કરવામાં આવશે. આ ઉપક્રમ બપોરે ૧૨:૩૦ કલાકે, સાંદીપનિ રુષિકુળમાં સંપન્ન થશે.
મેડીકલ કેમ્પ
પ્રજ્ઞાચક્ષુ કલ્યાણ કેમ્પ
આ સેવાદિવસના વિશિષ્ટ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ સંસ્થા ખાતે સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ કલ્યાણ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં પોરબંદર જીલ્લાના તમામ પ્રજ્ઞાચક્ષુઓનું પોરબંદરના ખ્યાતનામ અને આંખના નિષ્ણાંત સર્જન ડૉ.વિભુતિબેન કોરિયા, ડૉ.નિમિષાબેન મહેતા, ડૉ.પરબતભાઈ ઓડેદરા તથા ડૉ.નિખીલભાઈ રૂપારેલીયા દ્વારા આંખનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે. જે પ્રજ્ઞાચક્ષુઓને નેત્રદાન દ્વારા દૃષ્ટિ આપવાની સંભાવના ડોક્ટર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવશે તેવા દર્દીઓ માટે રાજ્યની ચક્ષુબેંક સાથે સંકલન કરી તેઓને ચક્ષુદાન દ્વારા દૃષ્ટિ આપવા સુધીનિ સેવા સાંદીપનિ સંસ્થા દ્વારા કરવામાં આવશે. તમામ પ્રજ્ઞાચક્ષુ અને તેમની સાથે આવેલા એક સહાયક વ્યક્તિ માટે બપોરના ભોજનની વ્યવસ્થા સાંદીપનિ ખાતે જ રાખવામાં આવેલ છે. આ કેમ્પનિ વિશેષ માહિતી માટે ડૉ. સુરેશભાઈ ગાંધી અને ડૉ.ભરતભાઈ ગઢવી (મો.૯૭૧૨૨૨૨૦૦૦) નો સંપર્ક કરવાનો રહેશે.
બ્લડ ડોનેશન કેમ્પ
આ સાથે સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ પરિસરના ગુરુકુળમાં સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં સાંદીપનિ સંકુલના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે.
પોરબંદરની સંસ્થાઓમાં મિષ્ટાન્ન ભોજન સેવા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપવામાં આવશે.
જેમાં જી.આઇ.ડી.સી. માં રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં બાળકોને,
પ્રાગજી આશ્રમ (ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ)માં રહેતા તમામ મનોરોગીઓને, છાયા ખાતે આવેલ આસ્થા સંસ્થામાં તમામ બાળકોને,
સ્વ. ચંદ્રકાન્તભાઈ જોષીની શિશુ કુંજમાં રહેતા તમામ બાળકોને તેમજ રાણા ખીરસરામાં આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલોને મિષ્ટાન્ન ભોજન આપવામાં આવશે.
વૃક્ષારોપણ
વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું એ પૂજ્ય ભાઈશ્રીનો પહેલેથી જ રૂચીનો વિષય રહ્યો છે. આથી પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ સેવાદિવસના અવસરે પૂજ્ય ભાઈશ્રીના હસ્તે તેમજ તેઓની પાવન ઉપસ્થિતિમાં સાંદીપનિ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. સાંદીપનિ પરિસરના વિવિધ ભાગોમાં ૨૫૧ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
સ્વચ્છતા અભિયાન
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દર વર્ષે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એમ આ વર્ષે પણ પોરબંદરના સુદામામંદિરના સમગ્ર પરિસરમાં સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ દરમ્યાન સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના ગુરુજનો અને વિદ્યાર્થીઓ દ્વારા સફાઈકામ કરવામાં આવશે. જેમાં શહેરના મહાનુભાવો પણ આ અભિયાનમાં જોડાશે… ઉલ્લેખનીય છે કે પૂજ્ય ભાઇશ્રી દ્વારા કથાના માધ્યમથી અનેક શહેરોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરતા આવ્યા છે.
આ તમામ કાર્યક્રમનો લાભ લેવા માટે સૌ ભાવિકોને સાંદીપનિ સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.