પોરબંદરમાં રઝળતા પશુઓનો ત્રાસ વધ્યો છે ત્યારે કલેકટર દ્વારા જાહેરમાં ઘાસચારાના વેચાણ અને ઘાસચારો નાખવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે તેની અમલવારી કેવી અને કેટલી થશે તે તો આગામી સમય માં જ સામે આવશે.
સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા- ૨૦૨૩ જાહેર કરવામાં આવી છે. જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ, રસ્તા ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર કોઈ સંજોગોમાં જોવા ન મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની થાય છે જેથી અગાઉ તા.૨૪-૦૯-૨૦૦૩થી ઘાસચારા અંગેનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે અને શહેરમાં જાહેર રોડ, રસ્તા, ફુટપાથની સાઈડે તથા જાહેર સ્થળો ઉપર જાહેરમાં ઘાસચારાનું વેચાણ ન કરે તે અંગે ની માર્ગદર્શિકા ના આધારે પોરબંદર ના જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ,ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યકિત ધ્વારા ઘાસચારાનું વેંચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ જાહેરનામાનો કોઇ પણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. અને આ જાહેરનામું તા.૪/૧૨/૨૪ થી તા.૧/૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તેવું જણાવાયું છે.
જો કે આ જાહેરનામાં ની અમલવારી કેવી અને કેટલી થશે તે તો આગામી સમય માં જ સામે આવશે કારણ કે પાલિકા દ્વારા અગાઉ પણ આ અંગે નિષ્ફળ પ્રયાસ કરાયો હતો જેમાં માર્કેટ ઈન્સ્પેક્ટર ની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરી ઘાસચારો વહેંચવાની મનાઈ ફરમાવી હતી તે સમયે રોજગારીના નામે ઘણાં લોકોએ ઝઘડો પણ કર્યો હતો અને પાલિકાના કર્મચારીઓ જાય ત્યારે ફરીથી ઘાસચારો વેચવાનું ચાલુ કરી દેતા હતા ત્યાર બાદ પાલિકા એ કેટલાક ઘાસચારા ના ધંધાર્થીઓ સામે ફરિયાદ પણ કરી હતી તેમ છતાં ફરી પાછી જૈસે થે જેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું.
બીજી તરફ મૂંગા પશુઓ પણ ઘાસચારા વગર ના ન રહે તે માટે પણ તંત્ર એ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અથવા એવા ચોક્કસ પોઈન્ટ રાખવા જોઈએ જ્યાં ધર્મપ્રેમી જનતા પશુઓ ને ઘાસચારો નાખી શકે જેથી મૂંગા પશુઓ પણ ભૂખ્યા ન રહે