રાણાવાવ માં ૧૫ વીઘા ગૌચર ની જમીન પર થયેલ દબાણ તંત્ર દ્વારા દુર કરાયું છે બીજી તરફ મજીવાણા નજીક રસ્તા પર ખેડૂતો દ્વારા થયેલ દબાણ પણ દુર કરવામાં આવ્યું છે.
રાણાવાવ તાલુકાના રાણાવાવ ગામના સરકારી ગૌચર સ.નં.૨૦૨૪૫ માં ખુંટી દેવાભાઇ અરજણભાઇ વિગેરે, વિજયભાઇ હરદાસભાઇ ઓડેદરા તથા દિલીપભાઇ માલદેભાઇ સેલાર દ્વારા ૨૩૦૦૦ ચો.મી.માં અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું જે અંગે ૨૦૨૩ માં કેસ ચાલી જતા દબાણકારો ને સ્વેચ્છા એ દબાણ દુર કરવા સુચના આપવામાં આવી હતી તેમ છતાં દબાણ દુર કરવામાં ન આવતા ગત ઓક્ટોબર -૨૪ માં ૨૦૨ મુજબ આખરી નોટીસ આપી દબાણ જાતે દુર કરવા જણાવાયું હતું.
તેમ છતાં કોઈ કામગીરી ન થતા અંતે આજે મામલતદાર,પીજીવીસીએલ ટીમ દ્વારા પોલીસ સ્ટાફને સાથે દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ટીમ દ્વારા પ્રતિ વિધાના ૧૨ લાખ લેખે ૧૫ વિઘાના રૂ.૧ કરોડ ૮૦ લાખ ની સરકારી ગૌચરની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી એ સિવાય પોરબંદર ના ગ્રામ્ય મામલતદાર અને નાયબ કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન) વિભાગ, પંચાયત ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી બરડા પંથક ના મજીવાણા થી ખાભોદર જતા આશરે બે કિમી લંબાઈના જાહેર રસ્તા ઉપર ૬૦ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તંત્ર ની કાર્યવાહી ના પગલે દબાણકારો માં ફફડાટ જોવા મળે છે.



