પોરબંદર જીલ્લામાં નકલી દુધનો કારોબાર ફુલ્યોફાલ્યો હોવાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ના કમિશ્નર ને લેખિત રજૂઆત કરાઈ છે.
પોરબંદર જીલ્લામાં નકલી દુધનો કારોબાર ફુલ્યોફાલ્યો હોવાની રાજયસરકારને ફરીયાદ થઇ છે. પોરબંદરના એડવોકેટ કમ આર.ટી.આઇ. એકટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમીશ્નરને લેખિત ફરીયાદ કરી જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લામાં નકલી દુધ ખુબ મોટા પ્રમાણમાં અનેક ગામમાં આવતું હોય, આ દુધ પોરબંદર જીલ્લાની દુધની અમુક ડેરીઓમાં પણ મોટા પ્રમાણમાં ભેળસેળયુકત દુધ બનતું હોવાનું મારી જાણમાં આવેલ છે અને આ દુધ વાહનો મારફતે અન્ય શહેરોમાં પણ આ વિતરણ કરવામાં આવતું હોવાનું મારી જાણમાં આવેલ છે. આથી આપ દ્વારા પોરબંદર જીલ્લાની દુધની ડેરીઓમાં તથા દુધના વાહનોમાંથી દુધના નમુના લઈ જવાબદારો સામે તાત્કાલીક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી છે.
પોરબંદર જીલ્લામાં મોટા પાયે દુધમાં અન્ય પદાર્થો ભેળવી ભેળસેળ કરવામાં આવતી હોય અને દુધની આવી ભેળસેળ કરવાથી નાના બાળકોથી લઇ લોકો ગંભીર બીમારીનો ભોગ બની જતા હોય, દુધમાં ભેળસેળ માટે યુરીયા ખાતર, તેલ તથા અન્ય પદાર્થો ભેળવી મોટા પાયે નકલી દુધનું વેચાણ થાય છે. તેવો આક્ષેપ કરીને ઉમેર્યું છે કે આ દુધની હોટલોમાં ચા બનાવવામાં આવે છે. તેમજ મીઠાઇની દુકાનોમાં માવાની બનતી આઈટમો, દુધની વાનગીઓ, પનીરની વાનગીઓમાં આ દુધનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. તથા ખાસ કરીને બ્રાન્ડ નેમ દુધની કોથળીઓમાં પણ ભેળસેળયુકત દુધ આવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
અને આવું દુધ ઉપયોગમાં લેવાથી કે તેમાંથી બનતી વાનગીઓ ખાવાથી બાળકો તથા લોકો કેન્સર, લીવર જેવી ગંભીર બીમારીનો ભોગ બને છે. પશુ કલ્યાણ બોર્ડના સભ્ય મોહનસિંહ આહુવાલીયાએ જાણકારી હમણા થોડા દિવસો પહેલા આપી હતી કે દેશમાં વેચાતું દુધ લગભગ ૬૮.૭ દુધ એચ.એસ.એસ.એ.આઈ. ધોરણથી નીચેના સ્તરનું હોય. દુધની માંગ પુરી કરવા અમુક દુધની ડેરીવાળાઓ દુધમાં ડીટરર્જન્ટ પાવડર, કોસ્મેટીક સોડા, યુરીયા ખાતર, ગ્લુકોઝ, સફેદ કલર અથવા રીફાઈન્ડ તેલની ભેળસેળ કરતા હોય છે તેવી શકયતાઓ છે અને તેથી તે સ્વાસ્થ્ય માટે તે અત્યંત હાનિકારક હોય છે.
ગાય-ભેંસને ઈન્જેકશન આપવામાં આવે છે તેવો આક્ષેપ કરીને ઉમેર્યું છે કે, તેના પર પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ વેચાણ થાય છે અને દુધ બગડી ન જાય તે માટે તેમાં દવા નાખવામાં આવે છે. તે પણ આરોગ્ય માટે અતિહાનિકારક હોય છતા પણ ખુલ્લેઆમ તેનો ઉપયોગ પોરબંદર જીલ્લામાં થઇ રહ્યો છે. પોરબંદર શહેરમાં મોટાભાગે ગાયો ગંદો એઠવાડ, પ્લાસ્ટીક ખાઇને દુધ દેનાર ગાયનું પણ પોષણક્ષમ હોતું નથી. મોટાભાગની ચાની હોટલોમાં આવું દુધ વપરાતું હોય છે. પશુપાલકો પોતાનું ચોખ્ખું દુધ ડેરીઓમાં આપતા હોય છે. ત્યારે અમુક ડેરીવાળાઓ તેમાં ફેટ મશીનોમાં સેટીંગ કરી દુધની ગુણવત્તા પ્રમાણે ભાવ આપતા નથી અને પશુપાલકોનું અમુક ડેરીવાળાઓ શોષણ કરતા હોવાની શક્યતા છે.
બ્રાન્ડ નેમ ડેરીઓ પણ દુધમાંથી ફેટ કાઢી લીધા પછી તેમાં ફર્ટીલીટી હાઈડ્રોકેમીકલ નાખી વધારે ફેટનું દુધ બનાવી દુધનું વેચાણ કરે છે. અને આવો કેમીકલનો જથ્થો ડેરીઓમાં વાહનો મારફતે જાય છે. છતા કાર્યવાહી થતી નથી. તેવો આક્ષેપ કર્યો છે. વધુમાં ઉમેર્યું છે કે, આવું કેમીકલયુકત દુધ પીવાથી હાડકાનો માવો બનતો બંધ થઇ જાય છે. થેલીનું દુધ રોજ ખાવા-પીવામાં વાપરવાથી સાંધાના દુઃખાવા, બાળકોના રોગ તથા મહિલાઓને કેટલીક ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બનતી કેટલીક પ્રખ્યાત મીઠાઈઓ, રાસાયણિક દુધ તથા નકલી માવામાંથી બને છે. પોરબંદર જીલ્લામાં દુધાળા પશુ કરતા વધુ પ્રમાણમાં દુધ ડેરીઓ મારફતે સપ્લાય થાય છે. તે જ બતાવે છે કે મોટા પ્રમાણમાં નકલી દુધનો કારોબાર ચાલે છે અને પોરબંદર જીલ્લામાં નકલી ઘી પણ મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે,
આ બાબતે ફુડ અને ડ્રગ્સ વિભાગની મોટી બેદરકારીથી માણસોનું અમુલ્ય જીવન ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યું છે તો આ બાબતે યોગ્ય કરવા માંગણી છે તેમ ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ કરેલી ફરીયાદમાં જણાવ્યું છે.