રાણાવાવની જાંબુવતી ગુફાના વિકાસ માટે વન અને પ્રવાસનમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
રાણાવાવ નજીકના પ્રવાસન સ્થળ જાંબુવંતીની ગુફાના વિકાસ માટે વન અને પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરા સમક્ષ ગુફાના સેવા મંડળ ના ટ્રસ્ટી મુકેશભાઈ મકવાણા સહિતનાઓ એ રજૂઆત કરી જણાવ્યું છે કે વન વિભાગ દ્વારા આ સ્થળે સાંસ્કૃતિક વન મંજૂર કરવામાં આવે અને ૨૦૧૨ માં થયેલાં વિકાસનાં કામોની જાળવણી માટે રીનોવેશનની કામગીરી સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે વધુ વિકાસનાં કામો હાથ ધરવા માં આવે.
વધુ માં જણાવ્યું છે કે ૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ અહી પધારી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સ્થળે રસ્તા, લાઈટ, ભોજનાલય, ચિંતન કુટીર અને બાલ ક્રિડાગણ અને શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ થઈ હતી. અહી દર વર્ષે મહાશિવરાત્રી,ભીમ અગિયારસ, ગુરૂપૂર્ણિમા અને જન્માષ્ટમી તહેવારોમાં ચાલીસથી પિસ્તાલીસ હજારભાવુકો આવે છે. ગુફાની અંદર પ્રવેશ દ્વાર આવવા જવાનો રસ્તો એક જ હોવાથી ઈમરજન્સી રસ્તાની અનિવાર્યતા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતપત્ર સ્વીકારતા મુળુભાઈ એ જણાવ્યું હતું કે તેઓએ પણ આ જગ્યાની મુલાકાત લીધી હોવાથી સમસ્યાઓથી વાકેફ છે. અને સમયાંતરે વિકાસના કામોની ખાત્રી આપી હતી.