પોરબંદરમાં અનેક લોકો પાસે બિનજરૂરી રીતે માત્ર સીનસપાટા કરવા માટે જ હથિયાર નું લાયસન્સ હોવાનું જણાવી આવા બિનજરૂરી પરવાના રદ કરવા કલેકટર ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઈ સવજાણી એ કલેકટર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર શહેરી વિસ્તારમાં અનેક લોકો સ્વરક્ષણનું હથિયાર લાયસન્સ ધરાવે છે. જેમાના મોટાભાગના લોકો ફકત રિવોલ્વર કમરમાં લટકાડી ફક્ત સીનસપાટા ખાતર રિવોલ્વર નું લાયસન્સ મેળવે છે. ઘણા લોકો કે જેઓના કોઈ કોન્ટ્રાકટ ચાલતા નથી કે કોઈ મોટી લેવડ-દેવડ કાયમી થતી નથી. અગર તો કોઈ સાથે વાંધા, તકરાર નથી. ફક્ત પૈસાના જોરે તેમજ સીનસપાટા કરવા ખાતર હથિયાર લાયસન્સ ધરાવે છે.
તો કયા કારણોસર આવી વ્યકિતને હથિયાર રાખવાનો પરવાનો અપાયો છે. જેની તપાસ કરવા માંગ કરી છે તેમજ આવા તત્વો કોઈ અસામાજીક તત્વો સાથે સંકળાયેલ છે કે કેમ તેની પણ તપાસ કરી તેમજ આવા બીનજરૂરી હથિયારના પરવાના ધરાવતા હોય તેના લાયસન્સ તાત્કાલીક અસરથી રદ કરવા જોઈએ તેવી માંગ કરી છે.
અને આ અંગે જીલ્લા મેજીસ્ટ્રેટસમક્ષ આર.ટી.આઈ. મુજબ દરેક લાયસન્સ ધરાવતા લોકો ની માહિતી તેમજ લાયકાત અંગેના પુરાવાની તપાસ કરવા માંગ કરી છે
અને આ બાબતે જિલ્લા મેજીસ્ટ્રેટ તાત્કાલીક અસરથી તપાસ હાથ ધરે અને આવા ઈસમોના લાયસન્સ તાત્કાલીક રદ કરવાનો હુકમ કરે તેવી માંગણી પણ કરી છે.ઉલ્લેખનીય છે કે પોરબંદર જીલ્લા માં કુલ ૮૪૧ હથિયાર લાયસન્સ ધારકો છે.