પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે સ્કૂલ બસની ફીની વસુલાત કરવામાં આવતી હોવાનું જણાવી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આર.ટી.ઓ. અધિકારીને આવેદન પાઠવાયુ છે.
પોરબંદર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના મહામંત્રી કરશનભાઈ મોઢા સહિત આગેવાનોએ આર.ટી.ઓ અધિકારીને લેખિત આવેદન પાઠવીને જણાવ્યુ હતુ કે આરટીઓ કચેરી દ્વારા જે સ્કૂલ બસોની પરમીટ આપવામાં આવે છે તેમાં વિનામૂલ્યે સ્પષ્ટ દર્શાવેલ હોવા છતાં પણ આ શાળાઓ નફાનું ધોરણ અપનાવી વિદ્યાર્થીઓ કે વાલીઓ પાસેથી મોટી ફી વસુલવામાં આવે છે. તેમજ પરમીટનો રૂટ, રૂટની લંબાઈ તેમજ પાસીંગ સ્થળ જે દર્શાવવામાં આવે છે તે અસ્પષ્ટ જણાય છે. આથી જ આમ જનતા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને જે બિનકાયદેસર રીતે લુંટવામાં આવે છે.
તેમાં આરટીઓ કચેરી પણ સામેલ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે કેમકે મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ સેકસન ૨ (૩૩)ની જોગવાઇનું ખોટુ અર્થઘટન કરી આ જિલ્લાની શાળાઓને સ્કૂલ બસ તરીકેની પરમીટ અપાયેલ છે. તે તાત્કાલિક અસરથી રદ કરી આ સ્કૂલ બસોને રીકવીઝેટ કરાવી જયારથી પરમીટ અપાયેલી હોય તે તાત્કાલીક અસરથી રદ કરી આ સ્કૂલ બસોને રીકવીઝેટ કરાવી જયારથી પરમીટ અપાયેલી હોય ત્યારથી આજ સુધી જેટલા વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલ બસ ફ્રી વસુલેલ તે રીફંડ કર્યા બાદ જ જે તે સ્કૂલ બસ કે વાહનની મુક્તિ આપવી તેવી પણ માંગ કરી છે.
વધુ માં જણાવ્યું છે કે તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૧૨-૩-૨૦૨૪ના રોજ શાળા પરિવહન યોજનામાં વિદ્યાર્થીના રહેઠાણથી ૫ કિ.મી.ની ત્રિજયામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ આવેલી ન હોય તેવા વિસ્તારના માસિક રૂપિયા ૬૦૦ લેખે ૧૦ મહિનાના કુલ રૂપિયા ૬૦૦૦ની આર્થિક સહાય વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય પણ પોરબંદર જિલ્લામાં હાલમાં ૨૩ સરકારી માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાઓ, ૩૯ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાઓ, ૫૫ નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ મળી કુલ ૧૧૭ માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાઓ નોંધાયેલી છે તેમજ ૩૦૮ સરકારી પ્રાથમિક અને ઉ.માધ્યમિક શાળાઓ ૧૦૮ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક અને ઉ. પ્રાથમિક શાળાઓ મળી ૪૧૬ કુલ પ્રાથમિક શાળાઓ મળી આ જિલ્લામાં કુલ ૧૧૭ સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ ૪૧૬ કુલ સરકારી તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક અને ઉ. પ્રાથમિક શાળાઓ મળી એકંદરે આ જિલ્લામાં ૫૩૩ શાળાઓ નોંધાયેલી છે.
તે પૈકી ફકત અને ફકત ૩૩ શાળાઓ દ્વારા સ્કૂલ બસની પરમીટ મેળવી સમગ્ર જિલ્લામાંથી વિદ્યાર્થીઓનું પરિવહન જે થાય છે તેનાથી આ જિલ્લાની ૫૦૦ શાળાઓ અને કુલ ૧૫૪ ગ્રામ્ય વિસ્તાર + ૩ શહેરી વિસ્તાર એમ કુલ ૧૫૭ ગામ અને શહેરની શાળાઓને સાથે બિન તંદુરસ્ત હરિફાઇ થવાથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સરાસરી હાજરી તેમજ વર્ગોની સંખ્યામાં ઘટાડો થવાની પૂરેપૂરી શકયતા છે. તો આવી શાળાઓને ભવિષ્યમાં બંધ થશે તો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોને જે હાલમાં જે તે વિસ્તારમાં મફત શિક્ષણ મેળવે છે. તે કદાચ સ્કૂલ વાહન પરમીટના કારણે મફત શિક્ષણથી વંચિત રહેશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આ તમામ રજૂઆત અંગે ૧૫ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછૂટકે અદાલતના શરણે થવાનું રહેશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની તેમજ આરટીઓ કચેરીની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
શાળા ની બસો નો મિસયુઝ :પ્રસંગો માં પણ થાય છે વપરાશ
રજૂઆત માં એવું પણ જણાવ્યું છે કે માત્ર વિદ્યાર્થીઓ ના પરિવહન માટે મંજુર થયેલ સ્કુલ બસો નો લગ્નપ્રસંગથી લઇ ને અન્ય પ્રસંગોમાં પણ ઉપયોગ થતો હોવાનું અનેક વખત સામે આવ્યુ છે. જયારે આર.ટી.ઓ. પાસે જે તે સ્કૂલ સંચાલકો સ્કૂલબસની પરમીશન માંગે છે ત્યારે સ્પષ્ટપણે તેમાં જણાવાય છે કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તથા શહેર અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ પાસે કોઈપણ જાતના ચાર્જ વગર તેમજ સ્કૂલબસની ફી પેટે કોઈ રકમ વસુલતા નથી. લગ્નપ્રસંગ તેમજ અન્ય હેતુ માટે ભાડે ચલાવશુ નહીં તેવું લેખિતમાં લેવાયા બાદ પણ સ્કુલ બસો નો મિસયુઝ થાય છે.