પોરબંદર નજીક નકલંક ધામ ઠોયાણા ખાતે ૫૨ ગજ નેજા ઉત્સવ યોજાશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
રાણાવાવ નજીક આવેલ ઠોયાણા ગામે નકલંક ધામમાં રામદેવપીર ના નેજા ઉત્સવ નું આયોજન કરાયું છે. તા ૫ ના રોજ આયોજિત આ ધર્મોત્સવમાં સમસ્ત ઠોયાણા ગ્રામજનો ઉમળકા ભર્યા સહકાર થી મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બજારો અને ગલીઓની સાફ સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવી રહી છે. સમગ્ર ગામ તોરણથી સુશોભિત કરવામાં આવી રહ્યું છે.
આ ઉત્સવ માં ઉદ્યોગપતિ અને સેવાકીય કાર્યો ની સુવાસ ફેલાવનારા મહેશ સવાણી,સાંસદ રમેશભાઈ ધડુક,કોંગી અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયા,કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા, મહેર અગ્રણી સામતભાઇ ઓડેદરા,આપ ના ઈશુદાન ગઢવી ,હિરલબા જાડેજા,રમેશભાઈ (પટેલ)ઓડેદરા,મહેર અગ્રણી ભાણવડના મેરામણ આતા તેમજ ઠોયાણા આવળ આશ્રમ ના સાધુ સુધાગીરી બાપુ સહીત અનેક મહાનુભાવો સહભાગી બનશે.
નેજાના સામૈયા અને શોભાયાત્રા ઠોયાણા થી બે કિમી દૂર આવેલ ટીબા મા આવડ માતા ના આશ્રમ થી ડીજે ના તાલે સવાર ના સાત વાગ્યા થી બળદ ગાડા અને ઘોડા સાથે નીકળશે. તેમજ સામૈયામાં ભજન કીર્તન સાથે શોભાયાત્રા નીકળશે. જેમાં ભાઈ બહેનો ડીજે ના તાલે રાસ ગરબા ની રમઝટ બોલાવતા ગામમાં ઘૂમશે. ત્યારબાદ નંકલંક ધામ પહોંચશે. જયા મહાનુભાવો ના વરદ હસ્તે રામદેવ પીર ના નેજા ચડાવવામાં આવશે.ત્યાર બાદ સ્વાગત તથા પ્રવચન અને ભોજન પ્રસાદ નો કાર્યક્રમ યોજવામા આવશે. બપોરે 3 વાગ્યે રામદેવપીર અને નેતલદે નો લગ્નોત્સવ યોજાશે. જેમાં મહેર સમાજ થી વાજતે ગાજતે રામદેવપીર ની જાન જોડવામાં આવશે જે નકલંક ધામ પહોંચશે.
સાંજના સૌરાષ્ટમાં માં પ્રખ્યાત એવા કલાકારો ડેવીનભાઈ ઓડેદરા,મિલન ઓડેદરા, લાખણશી આંત્રોલીયા,હિતેશ ઓડેદરા,રમેશ ઓડેદરા, અને વિજય ઓડેદરા પોતાની કલા બાપાને ચરણે ધરશે અને રાસ ગરબાની રમઝટ બોલાવશે. તેમજ કલાકારો દ્વારા રામદેવપીર બાપાની ધૂન ગાવામાં આવશે.બાપા પ્રત્યક્ષ રમવા આવશે અને ઉકળતી દેગ ઉતારશે, દેગ જમશે (દેગ દર્શન)રાખવામા આવશે.આ બાપાના નેજા મહોત્સવમાં સૌ કોઈ સહભાગી બને તે માટે નકલંક ધામ ઠોયાણા સૌ ભક્ત સમુદાયને જાહેર આમંત્રણ પાઠવે છે.