ધોરાજી માં ભાજપ ના લોકસભા ના ઉમેદવાર વિરુધ પોસ્ટર લગાડવામાં આવતા પોરબંદર ભાજપ દ્વારા આ મામલે ચૂંટણી પંચ ને ફરિયાદ કરાઈ છે.
ધોરાજી ના કેટલાક વિસ્તાર માં મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે, જેને કારણે રાજકારણ ગરમાયું છે. અને આ પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થયું છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ લીગલ સેલ ના વડા એડવોકેટ કેતનભાઈ દાણી એ કલેકટર અને ચૂંટણી આયોગ સમક્ષ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ધોરાજી માં વિવિધ સ્થળો એ ભાજપ ના ઉમેદવાર ને નુકશાન અને હરીફ ઉમેદવાર ને ફાયદો થાય એ રીત ના શબ્દ પ્રયોગો કરી ને ભાજપ ના ઉમેદવાર ની પ્રતિષ્ઠા ઓછી થાય તેવો પ્રયાસ કરી ને આદર્શ આચાર સંહિતા અને તેની ગાઈડ લાઈન નો સરેઆમ ભંગ કર્યો છે.
આ બેનર માં લખાયેલા વાક્યો થી ઉમેદવાર ની પ્રતિષ્ઠા ઉપરાંત સામાજિક સોહાર્દ ને ગંભીર અસર ઉપરાંત ક્ષેત્રવાદ ને પોષક શબ્દોનો ઉલ્લેખ કરી ગંભીર નુકશાન કરવા ના હેતુ સાથે બેનર્સ લગાડવા માં આવ્યા છે. આ પોસ્ટર જાહેર મિલકત અને રેપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 ની કલમ 127 એ ની જોગવાઇ ઉપરાંત આઈપીસી કલમ 171 એચ નો ભંગ છે.એટલુજ નહિ બદઇરાદા સાથે નું બેનર નું ઠેર ઠેર લગાડવું વિગેરે આઈપીસી કલમ 120એ હેઠળ નું હોવાથી ત્વરિત કાયદાકીય પગલાં અત્યંત આવશ્યક છે. હજી તો ચૂંટણી ની તૈયારીઓ પ્રારંભિક તબક્કા માં છે ત્યારે હાર ભાળી ચૂકેલ વિરોધ પક્ષ આવા ગેર બંધારણીય હરકતો ચાલુ કરી ચૂંટણી ના વાતાવરણ ને ડહોળવા ના પ્રયત્નો ને ભારતીય જનતા પાર્ટી કદાપિ સહન નહિ કરે તેવું લોકસભા સીટ ચૂંટણી પ્રબધન ટીમ ના વડા અને સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા અને ભાજપ લીગલ ઇન્ચાર્જ કેતનભાઈ દ્વારા સ્પષ્ટ શબ્દો માં જણાવાયું છે.એવું મીડિયા ઇન્ચાર્જ સાગર મોદી અને લોકસભા મીડિયા પ્રભારી વિજયભાઈ થાનકી ની એક અખબારી યાદી માં જણાવાયું છે.
જો કે આ મામલે લલિત વસોયા એ મીડિયા સાથે વાતચીત માં એવું જણાવ્યું છે કે એ પોસ્ટર મનસુખભાઈ થી અસંતુષ્ટ ખુદ ભાજપ ના જ કાર્યકરે લગાડ્યા છે. ભાજપ નો અંતરીક વિવાદ સામે ન આવે તે માટે મારા પર આક્ષેપ લગાડ્યો છે ભાજપ ના આગેવાન બન્ની ગજેરા દ્વારા આ પોસ્ટર લગાડવામાં આવ્યા છે અગાઉ તેણે એક વિડીયો માં પણ જણાવ્યું હતું આથી મારા પર લગાવાયેલ આક્ષેપ તદન ખોટા છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરૂધ્ધ ધોરાજી અને ઉપલેટામા આયાતી ઉમેદવાર તરીકેના બેનર લાગ્યા લાગતા હડકંપ મચી ગયો છે.
આજે ઉપલેટામાં મનસુખ માંડવિયાના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે ધોરાજી-ઉપલેટાના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે, જેને કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ધોરાજી-ઉપલેટામાં પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થયું છે. ભાજપ-કોંગ્રેસ એ એક બીજા પર આક્ષેપ કર્યા છે.
પોરબંદર બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાને જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આજે ઉપલેટામાં મનસુખ માંડવિયાના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે ધોરાજી અને ઉપલેટાના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. હવે આ પોસ્ટરો કોણે લગાવ્યા તે બાબત સ્થાનિક સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
વાયરલ થયેલા પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે ?
આપણું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે…
પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર… એ… કોણ…
પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર…એ…કોણ…
મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે…એ…કોણ…