પોરબંદર ની સ્વામિનારાયણ ગુરુકુળ લો કોલેજને સૌરાષ્ટ્રની એકમાત્ર ગ્રાન્ટ ઇડ એઇડ લો કોલેજની માન્યતા મળી છે.
છાયાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ લો કોલેજને સૌરાષ્ટ્રની એકમાત્ર ગ્રાન્ટ ઇડ એઇડ લો કોલેજની માન્યતા મળી છે અને હાલમાં સમગ્ર રાજ્યમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કોલેજ દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી અને સરકાર વિરુધ્ધ હાઇકોર્ટમાં કેસ કરવાના બદલે વિદ્યાર્થીઓને કાયમી ધોરણે લાભ મળતો રહે તે માટે પચીસ લાખ રૂપિયા જેવી રકમ વિદ્યાર્થીઓના હિતમાં ભરી દેતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, છાયા-પોરબંદર અને રાણાવાવના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના રૂડા શુભાશિષ સાથે સંચાલિત થઈ રહેલ ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ, છાયા-પોરબંદરમાં કાયદાના શિક્ષણની સવલત કાયમ રહેવા પામી છે. ભારત જેવા દેશમાં જ્યાં પ્રાચીન સમયથી જ જ્ઞાનને મહત્વ આપવામાં આવેલ છે. તે આપણા ભારત દેશના બંધારણના અનુચ્છેદ-૨૧ (૧) અંતર્ગત શિક્ષણને માનવીના મૂળભૂત અધિકારી તરીકે પણ સમાવવામાં આવેલ છે. કાયદાકીય શિક્ષણ ક્ષેત્રે વર્તમાન સમયે શ્રી સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર-પોરબંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયા-પોરબંદર સંચાલિત ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસીપલ લો કોલેજ, છાયા-પોરબંદર તે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં કાયદા શાખાનુ શિક્ષણ આપતી એક માત્ર લો કોલેજ છે. પોરબંદર અને તેની આજુબાજુના એક સો કિલોમીટરમાં એક માત્ર લો કોલેજ છે. તેથી ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ, છાયા-પોરબંદર છેલ્લા ૫૦ વર્ષથી પોરબંદર અને તેની આસપાસના વિદ્યાર્થીઓને કાયદાના વિષયનો અભ્યાસ કરાવી રહેલ છે. વર્તમાન સમયે સુપ્રીમ કોર્ટ, ભારત સરકાર તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા ભારત તેમજ ગુજરાતની તમામ લો કોલેજોનુ ઇન્સપેકશન કરવામાં આવેલ હતુ. અને વિવિધ નીતિ નિયમોને આધારે આર્થિક રીતે શૈક્ષણિક પેનલ્ટી પણ લગાડવામાં આવેલ હતી.
જે કાયદાના શિક્ષણના હિતમાં પણ છે. જો કોઈ લો કોલેજ આ પેનલ્ટીની રકમ ન ભરે તો એલ.એલ.બી. સેમ-૧ ના વર્ષ ૨૦૨૪થી નવા વર્ષના એડમીશન ના કરવા તથા જે તે લો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વકિલાતના વ્યવસાય ખુબજ મહત્વની એવી સનદ પણ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયા દ્વારા આપવામાં ના આવે તેમજ જે તે લો કોલેજને કાયમી ધોરણે બંધ કરી દેવાનો આદેશ પણ કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી અને સરકારના આ પ્રકારના અતિ કડક પગલાની સામે ગુજરાતની ૨૨ જેટલી લો કોલેજોએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી અને સરકાર વિરૂધ્ધ ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરેલ હતા.
પરંતુ પોરબંદર અને તેના આસપાસના ૧૦૦ કિલોમીટરમાં રહેતા અને કાયદાશાખાનું શિક્ષણ લઈને આત્મનિર્ભર થવા માંગતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં શિક્ષણને માટે સતત ખુબજ વિચારશીલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયા- પોરબંદર સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજી અને ટ્રસ્ટીમંડળે ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ-છાયા-પોરબંદરના પ્રિન્સિપાલ અને વકિલાતના અનુભવી ડો. વિજયસિંહ સોઢાએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી અને સરકાર વિરુધ્ધ ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરવાના બદલે પોતાની આગવી મેનેજમેન્ટની સુઝબુઝથી પોરબંદરના છેવાડાના વિદ્યાર્થીઓ કાયદાના શિક્ષણનો કાયમી ધોરણે લાભ મળતો રહે તે માટે બરર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીના ચેરમેન અને રાજ્યસભા સાંસદ મનનકુમાર મિશ્રા સાથે રૂબરૂ મુલાકાત કરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયા-પોરબંદર સંચાલિત ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ, છાયા-પોરબંદરનો વાસ્તવિક ચિતાર આપી તથા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને પૂજ્ય બાપુ પણ વ્યવસાયે વકીલ હોય અને તેની જ આ જન્મભૂમિમાં એકમાત્ર કાયદાનું શિક્ષણ આપતી સંસ્થા છે જે સરકાર દ્વારા અનુદાનિત છે.
શિક્ષણ અને સમાજસેવાને વરેલ સંતો દ્વારા જ લીગલ એજ્યુકેશન આપવામાં આવતુ હોય આ લો કોલેજ ગ્રાન્ટેડ હોવાથી સંસ્થાના મેનેજમેન્ટની પણ રાજ્ય સરકારના નીતિ-નિયમોને આધારે અમુક કાયદાકીય મર્યાદાઓ પણ હોય છે. આ લો કોલેજ પણ સમાજ અને શિક્ષણને સમર્પિત સંતો દ્વારા સંચાલિત થઈ રહી છે. પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નામ સાથે જોડાયેલી આ કોલેજનું સંચાલન મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી સ્વામી અને ટ્રસ્ટી મંડળે સંભાળ્યા પછી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયા સંસ્થાના કુશળ નેતૃત્વને કારણે લો કોલેજે બી+ નેક એક્રેડીએશન પણ મેળવેલ છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીના નિયમ પ્રમાણે લો કોલેજ ચાલે છે. મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી તથા પ્રિન્સિપાલ ડો. વિજયસિંહ સોઢાની યોગ્ય રજુઆતના સંદર્ભમાં તેઓની સુચના મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ના દીર્ઘદ્રષ્ટા ટ્રસ્ટી હરસુખભાઈ બુધ્ધદેવ, પદુભાઇ કે. રાયચુરા અને પેટ્રન ટ્રસ્ટી દીપકભાઈ.ડી. જટાણીયા, લંડન, યુ.કે. અને અન્ય ટ્રસ્ટીઓની સાથે ચર્ચા-વિચારણા કરીને તુરત જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા સુચવાયેલ માન્યતા અને અન્ય વિગતની નિયમાનુસાર ભરવાપાત્ર રકમ રૂપિયા પચીસ લાખ જેવી મોટી રકમ વિદ્યાર્થીના વિશાળ હિતમાં ભરી આપી હતી.
ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી તથા સ્વામિનારાયણ ગુરુકુલ છાયા પોરબંદર સંચાલિત ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ, છાયા-પોરબંદરની તથા સૌરાષ્ટ્રમાં એકમાત્ર ગ્રાન્ટ -ઈન- એઇડ- લો કોલેજની માન્યતા તાજેતરમાં મેળવી હતી.
પોરબંદરના કાયદાનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ ગૌરવ સમાન ઘટના છે. ગુજરાતમાં કાયદાશાખાનુ શિક્ષણ આપણી ૨૦૦ જેટલી સેલ્ફ ફાઇનાન્સ, ગ્રાન્ટેડ અને સરકારી લો કોલેજ છે. જે પૈકી માત્ર ૬૭ લો કોલેજમાં વર્ષ ૨૦૨૪-૨૫ના આ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાતની અનુદાનિત માત્ર ચાર લો કોલેજને જ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા મંજુરી આપવામાં આવી છે. તે પૈકી સૌરાષ્ટ્રની માત્ર બે જ ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ અપાયો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીના કડક રવૈયાને કારણે સરકારી અને અન્ય અનુદાનિત લો કોલેજોમાં પણ આ વર્ષે કાયદા શાખાના નવા પ્રવેશ અપાયા નથી. ત્યારે પોરબંદરની એકમાત્ર અનુદાનિત લો કોલેજ એટલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયા પોરબંદર સંચાલિત શ્રી ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ, છાયા-પોરબંદરને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીની તમામ પ્રકારની માન્યતા મળેલ છે. જે નિયમાનુસાર શૈક્ષણિક કાર્ય ચાલી રહેલ છે. લો કોલેજની લાઇબ્રેરી પણ બાર હજારથી વધુ કાયદાના પુસ્તકોથી સમૃધ્ધ છે. જેનો વિદ્યાર્થીઓ પણ લાભ લઇ રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કોર્ટ કાર્યવાહીની તાલીમ મળે તે માટે કોર્ટરૂમ જેવી જ નિયમાનુસારની મૂટકોર્ટ પણ બનાવવામાં આવી છે. લો કોલેજના વિદ્યાર્થીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી કાયદાનું શિક્ષણ આપવામાં આવે છે. લો કોલેજમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માન્ય માનવ અધિકારના વિષય સાથે કાયાદની માસ્ટર ડિગ્રી એટલે કે એલ.એલ.એમ.ની પણ સુવિધા છે. જેથી પોરબંદરના વિદ્યાર્થીઓને માસ્ટર ડીગ્રી મેળવવા માટે બહાર જવુ ન પડે.
ધનજીભાઈ ડી. કોટીયાવાલા મ્યુનિસીપલ લો કોલેજ, છાયા-પોરબંદરને ગુજરાત સરકાર દ્વારા કોલેજના ગુણવતાયુકત શિક્ષણ માટે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટયુટ રેન્કીંગ ફ્રેમવર્ક (જી.એસ.આઈ.આર.એફ.)માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં કાયદાની કોલેજ શ્રેણીમાં થ્રી સ્ટાર સાથે પુરા ગુજરાતમાં નેશનલ લો । યુનિવર્સીટી પછી બીજો નંબર આવેલ હતો તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં પણ લો યુનિવર્સિટીને બાદ કરતા કાયદાની કોલેજમાં બીજી વખત થ્રી સ્ટાર સાથે પ્રથમ ક્રમાંક મેળવેલોછે. આ પ્રમાણે લો કોલેજની પ્રગતિ માટે સતત ચિંતન કરતા પ્રિન્સીપાલ અને મેનેજમેન્ટના કારણે આ લો કોલેજના એલ.એલ.બી. પાસ થયેલા તમામ કાયદા શાખાના વિદ્યાર્થીઓને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી તરફથી નિયમાનુસાર સનદ મળશે જે તેના કાયદાકીય વ્યવસાયમાં અનિવાર્ય છે.
લો કોલેજનો આ અટવાયેલો અને પેચિદો પ્રશ્ન મેનેજીંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી મંડળ તથા પ્રિન્સિપાલ વિજયસિંહ સોઢાની કુનેહથી ઉકેલાયો છે. ખાસ તો વિદ્યાર્થીઓની સનદ અને માન્યતા અંગેની તમામ પ્રકારની મંજૂરી મળી જતા લો કોલેજના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ખુબજ ખુશી સાથે અભિનંદન આપી વિજયસિંહ સોઢાનુ પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યુ હતુ. આ ધન્યતાની ક્ષણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના તમામ વિભાગના ડાયરેકટરો અને પ્રિન્સિપાલો પણ ઉપસ્થિત રહેલ હતા.